Gujarati News

રાજકોટ મનપાના સ્થાપના દિવસની ઉજવણી:મનપાના સ્થાપના દિવસે મુખ્યમંત્રી રહેશે હાજર, મ્યુનિ. કમિશનર ગાંધીનગર દોડ્યા

Published: November 8, 2025 • Language: English

રાજકોટ મહાનગરપાલિકાનો સ્થાપના દિવસ 19મીએ છે. તેની ઉજવણીના ભાગરૂપે સંગીત સંધ્યાનું આયોજન કરવામાં આવે છે. જો કે આ વર્ષે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તે દિવસે સૌરાષ્ટ્રનો પ્રવાસ નક્કી કર્યો હોવાથી રાજકોટ બોલાવવા માટે શાસકોએ પ્રયાસ કર્યા હતા. જે મામલે ગ્રીન સિગ્નલ આવતા જ કમિશનર તુષાર સુમેરા શુક્રવારે જ ગાંધીનગર દોડી ગયા હતા. મુખ્યમંત્રીનો જૂનાગઢ સહિતનો પ્રવાસ નક્કી થયો છે જેમાં તેઓ અલગ-અલગ કાર્યક્રમોમાં હાજરી આપશે. જેને લઈને રાજકોટ શહેરમાં પણ મનપાના સ્થાપના દિવસે હાજરી આપશે અને મનપાના અલગ-અલગ કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. જેને લઈને મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા શુક્રવારે ગાંધીનગર રવાના થઈ ગયા હતા અને વંદે માતરમના કાર્યક્રમમાં પણ હાજર રહી શક્યા ન હતા. સીએમનો શિડ્યૂલ આવ્યા બાદ બીજા કાર્યક્રમો પણ ઘડવામાં આવશે. ઈનસાઈડ
CMને સાંજે હાજર રાખી મેદની બતાવવામાં સુરક્ષા વ્યવસ્થા સૌથી મોટો પડકાર બનશે
રાજકોટ મહાનગરપાલિકા દર વર્ષે સ્થાપના દિવસ નિમિત્તે સંગીત સંધ્યાનુ આયોજન કરે છે. આ આયોજનને સારો પ્રતિસાદ મળે છે અને લોકો પણ મોટી સંખ્યામાં જોડાય છે. મુખ્યમંત્રી આવવાના હોય ત્યારે તેમને આ મોટી મેદની બતાવવાની ઈચ્છા તો શાસકોને હોય પણ સીએમની સુરક્ષા વ્યવસ્થાને ધ્યાને લઈને કાર્યક્રમ યોજવો અઘરો બની જાય છે. કારણ કે સંગીત સંધ્યા માટે ઘણી વખત ઓવરક્રાઉડ થાય છે અને લોકોને સંભાળવા મુશ્કેલ બની જતા હોય છે. આવી હકડેઠઠ મેદની વચ્ચે સીએમના પ્રોટોકોલમાં જ મોટાભાગની બેઠક વ્યવસ્થા જતી રહેતી હોવાથી ભીડને સંભાળવી મોટો પડકાર બની જશે. આ કારણે અધિકારીઓ જ એવું ધારી રહ્યા છે કે, સાંજે ખાતમૂર્હત અને લોકાર્પણ પૂરા કરીને સીએમ રાજકોટથી રવાના થાય ત્યારબાદ જ સંગીત સંધ્યા શરૂ કરવામાં શાણપણ છે.

Read more

← Back to Home