રાજકોટમા માત્ર પોણા બે ટકા રાશનનું વિતરણ:સસ્તા અનાજના દુકાનદારોની હડતાલ બાદ પૂરવઠાની ફાળવણી મોડી, ગરીબોને ઘઉં – ચોખા ન મળતા મુશ્કેલીમાં
રાજકોટ સહિત રાજ્યમાં સસ્તા અનાજના દુકાનદારો દ્વારા હડતાલ કરવામાં આવતા આ મહિને રાશનકાર્ડ ધારકોને અનાજના પુરવઠાનું વિતરણ ખોરવાઈ ગયું છે. રાજકોટ જિલ્લાના 3.11 લાખ રાશનકાર્ડ ધારકોમાંથી અઠવાડિયામાં માત્ર પોણા બે ટકા લોકો સુધી જ અનાજ પહોંચ્યું હોવાનું સામે આવ્યું છે. જેના લીધે ગરીબોને ઘઉં, ચોખા, દાળ, ખાંડ અને મીઠું વિતરણ થઈ શક્યું નથી. રાજકોટ જિલ્લાના પુરવઠા અધિકારી ઝાંપડાના જણાવ્યા પ્રમાણે, રાજકોટ શહેર અને જિલ્લામાં 3,11,999 રાશન કાર્ડ ધારકો છે. સામાન્ય રીતે રાશનકાર્ડ ધારકોને દર મહિનાની 1 થી 10 તારીખ સુધીમાં અનાજ અને ખાંડ સહિતનો પુરવઠો મળી જતો હોય છે પરંતુ આ વખતે હડતાલને કારણે તેમાં થોડું મોડું થયું છે. જોકે એક અઠવાડિયામાં વિતરણ કરી દેવામાં આવશે. ઉલ્લેખનીય છે કે રાજકોટના 700 સહિત રાજ્યના 17000 સસ્તા અનાજના દુકાનદારો 1 નવેમ્બરથી અલગ અલગ 20 જેટલી માંગણીઓને લઈને હડતાળ પર ઉતરી ગયા હતા. જેમાં પ્રતિ કીલો કમિશન રૂ.1.50 થી વધારી રૂ.3 અને મીનીમમ કમિશન રૂ.20 હજારથી વધારી રૂ.30 હજાર કરવાની માંગણી હતી. જોકે સરકારે માંગણીઓ સંતોષવા માટે બાંયધરી આપતા 4 નવેમ્બરના હડતાલ તો સમેટાઈ ગઈ હતી પરંતુ રાશન વિતરણ માટે પરમિટ અને ચલણ મોડા જનરેટ થતા હજુ દુકાનોમાં રાશનનો જથ્થો પહોંચ્યો નથી. માત્ર પોણા બે ટકા જથ્થો પહોચતા ગરીબ રાશનકાર્ડ ધારકો મુશ્કેલીમાં મુકાઇ ગયા છે. રાજ્યના રાશન કાર્ડ ધારકોને અનાજ વિતરણ માસ – લાભાર્થી રાશનકાર્ડ ધારકો જૂન – 66,41,739 જુલાઈ – 1,21,20,883 ઓગસ્ટ – 1,33,61,616 સપ્ટેમ્બર – 1,37,65,203 ઓક્ટોબર – 1,44,24,156 નવેમ્બર – 33,939
