Gujarati News

રાજકોટમાં રહેતા હાલાર પંથકના આહીર સમાજનું સ્નેહમિલન:લગ્ન ખર્ચ પર નિયંત્રણ લાવતો મહત્વનો ઠરાવ પસાર કરાયો, નિયમ ભંગ કરનારને એક લાખનો દંડ ફટકારાશે

Published: November 9, 2025 • Language: English

રાજકોટ શહેરમાં ગઈકાલે રાત્રે મૂળ હાલાર પંથકના અને હાલ રાજકોટમાં રહેતા આહીર સમાજના 450 પરિવારનું સ્નેહમિલન મળ્યું હતું જેમાં હાલના સમયમાં મોંઘવારીના મારથી સામાન્ય અને મધ્યમ વર્ગીય પરિવારને કોઈ અગવડતા ન સર્જાય તે માટે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. સારા માઠા પ્રસંગો પર થતા ખર્ચ ઉપર નિયંત્રણ લાવવા મહત્વ પૂર્ણ નિર્ણય કરી અલગ અલગ નિયમો બનાવી દેવામાં આવ્યા છે અને જો કોઈ નિયમનું પાલન નહિ કરે તો તેને રૂપિયા એક લાખનો દંડ અને સમાજ વચ્ચે માફી માંગવાની રહેશે તેમજ ફરી નિયમનું ઉલ્લંઘન કરે તો સમાજમાંથી બાકાત કરવા સુધી આકરા નિયમો બનાવવામાં આવ્યા છે. રાજકોટમાં રહેતા હાલાર પંથકના આહીર સમાજના યુવા અગ્રણી વિજયભાઈ મકવાણાએ જણાવ્યું હતું કે, ગઈકાલે 8 નવેમ્બરને શનિવારના રોજ 150 ફૂટ રિંગ રોડ પર આવેલા અયોધ્યા ચોક ખાતે પાર્ટી પ્લોટમાં મૂળ હાલર પંથકના અને હાલ રાજકોટમાં રહેતા આહિર સમાજના 450 પરિવારોનું સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્નેહ મિલન કાર્યક્રમમાં 1500થી વધુ લોકો ઉપસ્થિત રહ્યા હતા. સ્નેહમિલન દરમિયાન સમાજના અગ્રણીઓની ઉપસ્થિતિમાં તમામ પરિવારોની સહમતીથી સારા માઠા પ્રસંગોમાં વધતા જતા ખર્ચાઓ પર નિયંત્રણ લાવવા માટે એક મહત્વનો ઠરાવ પસાર કરવામાં આવ્યો છે. આ ઠરાવમાં મુખ્ય 14 મુદ્દાઓ આવરી લેવામા આવ્યા છે અને આ નિયમોનું કોઈ ઉલ્લંઘન કરશે તો સમાજમાંથી બાકાત કરવા સુધી આકરા નિયમો બનાવવામાં આવ્યા છે. તેમને વધુમાં જણાવ્યું હતું કે, આ નિર્ણય એટલા માટે કરવામાં આવ્યો છે કે હાલના સમયમાં મોંઘવારી દિવસેને દિવસે સતત વધતી જોવા મળી રહી છે આજે સોના ચાંદીના ભાવ પણ એક લાખને પાર પહોંચી ગયા છે અને સમાજમાં દેખાદેખી ના કારણે સારા માઠા પ્રસંગોમાં સમાજમાં રીત રિવાજો પુરા કરવા સામાન્ય અને મધ્યમ વર્ગીય પરિવારને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે માટે જરૂરિયાતથી વધુ ખોટા કુ-રિવાજો દૂર કરવા નક્કી કરી બાદમાં સમાજના લોકો સાથે મળી સમાજના દરેક લોકોની ચિંતા કરી 14 નિયમો બનાવવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે આ નિયમો બધા આગામી હોળી ધુળેટીના પર્વ બાદથી લાગુ કરવામાં આવશે. સમાજ દ્વારા લેવાયેલા 14 નિર્ણયો (1) લાડવા પ્રથામાં મોટો જમણવાર કરવો નહીં બેન દીકરી પૂરતું મર્યાદિત રાખવું. (2) કંકુ પગલાં પ્રથા બંધ કરવી. (3) પ્રિવેડિંગ બંધ કરવું. (4) કોઈપણ પ્રસંગમાં ફટાકડા ફોડવા નહીં. (5) મામેરામાં રૂ.11,000 થી વધારે છાબમાં મૂકવા નહીં. (6) લગ્ન પ્રસંગે વર પક્ષે છાબમાં જાહેરમાં 7 તોલાથી વધારે સોનાના દાગીના મૂકવા નહીં, અને દીકરીના માતા-પિતાએ કન્યાદાનમાં વધારેમાં વધારે 2 તોલાથી વધુ સોનાના દાગીના આપવા નહીં. (7) માઠા પ્રસંગે ખીચડી તથા બીજા ટકનું જમણવાર ઘર તથા બહેન દીકરી પૂરતું જ કરવું. (8) કંકોત્રી રસમ તથા વાના રસમમાં ડેકોરેશન કરવું નહીં. (કુટુંબ પરિવાર પૂરતું રાખવું) (9) લગ્ન પ્રસંગમાં કોઈપણ રસમમાં પૈસા ઉડાડવા નહીં. (ફુલેકુ, દાંડિયા રાસ, ડી જે, મામેરા, વરઘોડો, વરતી જાન). (10) શ્રાદ્ધ, પાચમમાં જમણવાર ઘર પૂરતું રાખવું. (11) શ્રીમંત, દીકરી દીકરા વધામણાંમાં ડેકોરેશન કરવું નહીં. પેંડા વહેચણી પ્રથા બંધ કરવી. (12) કોઈપણ પ્રસંગમાં બહેનો એ પૈસા પાછા વાળવાની પ્રથા સદંતર બંધ કરવી. (13) વર કે કન્યાએ સસરા પક્ષમાં દાંડિયારાસ રમવા જવું નહીં. (14) વર કે કન્યાએ પ્રિવેડિંગ કરવું નહીં

Read more

← Back to Home