Gujarati News

મોરબી માર્કેટ યાર્ડમાં ટેકાના ભાવે મગફળી ખરીદી શરૂ:પ્રથમ દિવસે 30 ખેડૂતને બોલાવાયા, 27,000થી વધુએ કરાવ્યું રજીસ્ટ્રેશન

Published: November 9, 2025 • Language: English

મોરબીના સનાળા રોડ પર આવેલા માર્કેટ યાર્ડ ખાતે આજથી ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ થઈ છે. ખુલ્લા બજારમાં ઓછા ભાવ મળતા હોવાથી ખેડૂતો ટેકાના ભાવે મગફળી વેચવા માટે માલ લઈને આવવા લાગ્યા છે. ગુજકોમાર્સોલ દ્વારા સમગ્ર ગુજરાતમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ કરવામાં આવી છે. મોરબીના સનાળા રોડ પરના માર્કેટ યાર્ડ ખાતે મોરબી અને માળિયા તાલુકાના ખેડૂતો પાસેથી મગફળી ખરીદવામાં આવી રહી છે. પ્રથમ દિવસે 30 ખેડૂતોને મેસેજ મોકલીને બોલાવવામાં આવ્યા હતા, જેઓ પોતાની મગફળી લઈને વેચાણ માટે પહોંચ્યા હતા. જિલ્લા ખેતીવાડી અધિકારી હિમાંશુ ઉસદાડિયાએ જણાવ્યું હતું કે, સરકારી નીતિ-નિયમો મુજબ મગફળીનું વજન અને ભેજનું પ્રમાણ ચકાસ્યા બાદ જ ખરીદી કરવામાં આવે છે. તેમણે ખેડૂતોને ઉતાવળ ન કરવા અને સૂકી તથા સ્વચ્છ મગફળી લાવવા અપીલ કરી હતી. નાફેડના ડિરેક્ટર મગનભાઈ વડાવિયાએ માહિતી આપી હતી કે, ટંકારા તાલુકામાં 12,000, હળવદમાં 10,000, વાંકાનેરમાં 2,000 અને મોરબી તથા માળિયા તાલુકામાં 3,200 ખેડૂતોએ ટેકાના ભાવે મગફળી વેચવા માટે નોંધણી કરાવી છે. તેમણે ઉમેર્યું હતું કે, તમામ નોંધાયેલા ખેડૂતો પાસેથી મગફળીની ખરીદી કરવામાં આવશે, તેથી કોઈએ ઉતાવળ કરવાની જરૂર નથી.

Read more

← Back to Home