મોરબી ક્રાઇમ ન્યૂઝ:વાંકાનેરમાં નાસ્તા બાબતે ઝઘડામાં પરિણીતાનો આપઘાત, હળવદમાં કોપર વાયર ચોરીમાં વધુ સાત આરોપી ઝડપાયા
વાંકાનેર: નાસ્તા બાબતે ઝઘડો થતાં પરિણીતાએ જીવન ટૂંકાવ્યું
વાંકાનેરના માટેલ ગામ નજીક આવેલા એસેન્ટ સિરામિક કારખાનાના લેબર ક્વાર્ટરમાં એક અત્યંત દુઃખદ ઘટના સામે આવી છે. નાસ્તો કરવા જેવી નજીવી બાબતે પતિ સાથે ઝઘડો થતાં ૨૨ વર્ષીય પરિણીતાએ ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. મળતી વિગતો મુજબ, મૃતક મહિલાની ઓળખ રીટાસીંગ ઘનશ્યામસિંગ આદિવાસી (ઉં.વ. 22) તરીકે થઈ છે, જેઓ મૂળ ઓરિસ્સાના બાલેશ્વર જિલ્લાના વતની હતા. તેઓ પતિ ઘનશ્યામસિંહ આદિવાસી સાથે સિરામિક કારખાનામાં મજૂરી કામ કરતા હતા. આશરે ચાર વર્ષ પહેલા તેમના લગ્ન થયા હતા. ઘટનાના દિવસે સવારે, પતિ-પત્ની વચ્ચે નાસ્તો કરવા બાબતે બોલાચાલી થઈ હતી. આ ઝઘડાથી રિસાઈ ગયેલા રીટાસીંગે, તેમના પતિ રૂમની બહાર ગયા તે દરમિયાન, પંખા સાથે ચુંદડી બાંધી ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. ઘટનાની જાણ થતાં વાંકાનેર તાલુકા પોલીસે મૃતદેહને પોસ્ટમૉર્ટમ માટે ખસેડ્યો હતો. મૃતકના પતિ ઘનશ્યામસિંહની જાણ પરથી પોલીસે અકસ્માત મૃત્યુનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. હળવદ: સોલાર પ્લાન્ટમાંથી કોપર વાયર ચોરીમાં વધુ સાત શખસની ધરપકડ
બીજી તરફ, હળવદ તાલુકા પોલીસે એક મોટી ચોરીનો ભેદ ઉકેલવામાં વધુ સફળતા મેળવી છે. હળવદના કવાડિયા ગામે આવેલા સોલાર પ્લાન્ટમાંથી આશરે રૂ. 4 લાખની કિંમતના 1000 મીટર કોપર કેબલ વાયરની ચોરી થઈ હતી. અજાણ્યા શખ્સોએ કમ્પાઉન્ડ વોલ પરના ફેન્સિંગ તાર કાપીને આ ચોરીને અંજામ આપ્યો હતો, જે અંગે હળવદ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. પોલીસે અગાઉ આ ગુનામાં સુલતાન ઉર્ફે કાનો દેકાવાડિયા, રવિ દેકાવાડિયા, રાજબહાદુર રાજપુત અને રાજુ ગુર્જર નામના ચાર શખ્સોની ધરપકડ કરી હતી. તપાસના ચક્રો ગતિમાન રાખતા, પોલીસ ટીમે આ ગુનામાં સંડોવાયેલા વધુ સાત આરોપીઓને ઝડપી પાડ્યા છે. પકડાયેલા નવા આરોપીઓમાં પ્રતાપભાઈ ઉર્ફે પીડી દાનુભાઈ લોદરીયા (રહે. સુખપર), તેમજ વિજયભાઈ વિભાભાઈ દેકાવાડિયા, સંજયભાઈ જગાભાઈ દેકાવાડિયા, કરણભાઈ બહાદુરભાઇ પંચાસરા, મુકેશભાઈ પ્રેમજીભાઈ અઘારા, ચંદુભાઈ જગાભાઈ વડેચા અને વિજયભાઈ ઉર્ફે હિતેશ પ્રેમજીભાઈ અઘારા (તમામ રહે. દેવપર સુખપર)નો સમાવેશ થાય છે. પોલીસે આ તમામ આરોપીઓના રિમાન્ડ મેળવવા માટે તજવીજ હાથ ધરી છે.
