મૃતકની ટાયરો અને ગોદડાથી અંતિમવિધિ:સ્મશાન ગૃહ તરફથી ભીના લાકડા આપ્યા જે સળગ્યા જ નહીં, ઓઢવ સ્મશાન ગૃહમાં ના જળવાયો મોતનો મલાજો
સ્માર્ટ સિટી ગણાતા અમદાવાદ શહેરના ઓઢવ સ્મશાન ગૃહમાં મોતનો મલાજો પણ જળવાયો ના હોવાની ઘટના સામે આવી છે. મૃતકના સ્વજનોએ ટાયરો અને ગોદડા સળગાવી અંતિમવિધિ કરવાની ફરજ પડી હતી. સ્મશાન ગૃહ તરફથી અંતિમવિધિ માટે ભીના લાકડા આપવામાં આવ્યા હતાં. મૃતકની ટાયરો અને ગોદડાથી અંતિમવિધિ
લાકડા ભીના હોવાથી સળગવામાં મુશ્કેલી ઊભી થઈ રહી હતી. જેથી મૃતકના સ્વજનોએ સ્મશાન ગૃહમાં હાજર વ્યક્તિ પાસે સૂકા લાકડા માંગ્યા હતા. પરંતુ સૂકા લાકડા આપવામાં ન આવતા આખરે મૃતકના સ્વજનોએ ટાયરો અને ગોદડા નાખી અંતિમવિધિ કરવી પડી હતી. કરોડોનો ખર્ચ કરવા છતાં આ પ્રકારની સ્થિતિ ઊભી થતા અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. ‘સૂકા લાડકા ના હોવાથી અમને ભીના લાકડા આપ્યાં’
દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં મૃતકના પરિવારજન હિતેશ માળીએ જણાવ્યું હતું કે, અમને ભીના લાકડા આપવામાં આવ્યા હતાં. રાત્રે 5 જેટલા મૃતદેહને અંતિમવિધિ માટે લાવવામાં આવ્યા હતા. સૂકા લાડકા ના હોવાથી અમને ભીના લાકડા આપવામાં આવ્યા હતાં. હાજર વ્યક્તિને કહેવા છતાં સૂકા લાકડા આપવામાં આવ્યા નહીં. જેના કારણે મૃતદેહ સળગવામાં ઘણો સમય લાગી રહ્યો હતો. જેથી ત્રણ ઘણું ઘી, તલ સહિતની સામગ્રી લાવવી પડી હતી. આ ઘટના મ્યુનિસિપલ કોર્પોરેશનની બેદરકારીના કારણે જ બની છે. ‘બહારથી એક વ્યક્તિ ટાયરને લઈને આવ્યો હતો અને ટાયર નાખ્યા’
મૃતકના પરિવારજન રમેશભાઈ માળીએ જણાવ્યું હતું કે, અમે મૃતદેહ લઈને ગયા ત્યારે લાકડાં માંગ્યા હતા. હાજર વ્યક્તિએ કહ્યું કે સામે લાકડા પડ્યા છે લઈ લેજો. ગોડાઉનમાં જોયું તો લાકડા નહોતા, બજાર લાકડા પડ્યા હતા. પરંતુ વરસાદ ચાલુ હોવાથી તે ભીના થઈ ગયાં હતા. જેથી મૃતદેહ જલ્દી સળગે તે માટે સૂકા લાકડા માંગવામાં આવ્યા હતાં. ત્યારે હાજર વ્યક્તિ કહ્યું કે જે છે તે આજ છે સૂકા લાકડા મારી પાસે નથી. 11 વાગ્યે ગયા હતા અને સવારે 5 વાગ્યે ઘરે આવ્યા છીએ. જેમ તેમ કરીને મૃતદેહને પંચમહાભૂતમાં વિલીન કરી છે. ‘ચાર કલાક રાહ બાદ પરિવારે અંતિમવિધિ કરવા ટાયરનો ઉપયોગ કર્યો’
AMC વિપક્ષ નેતા શહેઝાદ ખાન પઠાણે જણાવ્યું હતું કે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ગુજરાતની સૌથી મોટી મહાનગરપાલિકા છે. જેનું વાર્ષિક બજેટ 15 હજાર કરોડ કરતા પણ વધુનું હોય છે. ત્યાં એક શર્મનાક ઘટના સામે આવી છે. એક તરફ સડક, ગટર અને બ્રિજના મામલે AMCમાં ભાજપના રાજમાં અધિકારીઓ ભ્રષ્ટાચાર તો કરે જ છે. પરંતુ તેના કરતાં પણ વધુ શર્મનાક કે ઘટના ઓઢવમાંથી સામે આવી છે. ઓઢવ વિસ્તારના સ્મશાન ગૃહમાં એક પરિવાર મૃતકની અંતિમવિધિ માટે જાય છે. જ્યાં અંતિમવિધિ માટે સ્મશાન ગૃહમાં લાકડા પણ હોતા નથી. ચાર કલાક રાહ જોયા બાદ પરિવારે અંતિમવિધિ કરવા માટે ટાયરનો ઉપયોગ કરવો પડ્યો હતો. ‘સ્મશાન ગૃહમાં લાકડાઓમાં પણ ભ્રષ્ટાચાર’
વધુમાં વિપક્ષ નેતાએ જણાવ્યું કે, સ્મશાન ગૃહના લાકડામાં પણ હવે ભ્રષ્ટાચાર કરવામાં આવી રહ્યો છે. કોંગ્રેસ આ મુદ્દાને લઈને ઉગ્ર આંદોલન કરશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓને ભાજપના નેતાઓએ ભ્રષ્ટાચારની તમામ હદો AMCમાં પાર કરી દીધી છે.
