Gujarati News

મુક્તિ દિવસની ઉજવણી પૂર્વે જૂનાગઢના ખાડાથી મુક્ત કરવાની માગ:ખાડારાજના કારણે લોકોએ કહ્યું- શહેર હજી અસુવિધામાંથી આઝાદ નથી થયું, વોકળાની ગંદકી ઢાંકવા આડશ મૂકાઈ

Published: November 8, 2025 • Language: English

9 નવેમ્બર એટલે જૂનાગઢનો ઐતિહાસિક મુક્તિ દિવસ. રવીવારે મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં મુક્તિ દિવસની ઉજવણી કરવામાં આવનાર છે. શહેરમાં એક તરફ મુક્તિ દિવસની ઉજવણીના કાર્યક્રમનું આયોજન કરાયું છે તો બીજી તરફ મોટાભાગના રસ્તાઓ પર ખાડાઓનું રાજ હોય લોકોએ હૈયાવરળા ઠાલવી હતી. મુક્તિ દિવસની ઉજવણી પૂર્વે શહેરીજનોએ કહ્યું હતું કે, જૂનાગઢવાસીઓને હજી પણ અસુવિધાઓથી મુક્તિ મળવાની બાકી છે. ભાસ્કરે શહેરના અલગ અલગ વિસ્તારમાં પહોંચી રસ્તાની સ્થિતિ જાણી લોકોને પડી રહેલી તકલીફ જાણવાનો પ્રયાસ કર્યો હતો. ખોદેલા રસ્તાઓ, ખાડાઓ અને ગટરના અધૂરા કામથી ઉડતી ધૂળ
જૂનાગઢ શહેરની મુલાકાત લેતા ગીરનાર તરફ જતો રસ્તો, ગિરિરાજ નગર, જોષીપુરા, મધુરમ વિસ્તારની સોસાયટીઓ અને હાટકેશ હોસ્પિટલ તરફના રસ્તાઓ પર ખોદેલા ખાડા, ગટરના અધૂરા કામો અને ધૂળની ઊડતી ડમરીઓ જોવા મળી હતી. જનતાનો સૂર હતો કે, આ દૃશ્યો જાણે કહી રહ્યા છે કે જૂનાગઢ હજુ સુવિધાઓમાંથી આઝાદ થયું જ નથી. જૂનાગઢના રહેવાસી ભગવાનદાસે પોતાનો આક્રોશ વ્યક્ત કરતા ‘દિવ્ય ભાસ્કર’ને જણાવ્યું કે જૂનાગઢ ફક્ત ખાડા નગરી છે. વહેલા મોડું અયોધ્યા નગરી અને દ્વારકા નગરીથી વધારે જૂનાગઢની ખાડાનગરી વધુ પ્રખ્યાત થઈ જશે. મહાનગરપાલિકા માત્ર પ્રજા પાસેથી ટેક્સ ઉઘરાવવામાં માને છે કોઈ સુવિધા આપવામાં માનતી નથી. હાલ મુક્તિ દિવસને લઈ રોડ પર જે ડામર પાથરીને સર્કલો શણગારવામાં આવ્યા છે, તે માત્ર ઉપર કક્ષાએ સારું બતાવવા માટેના ગતકડાં છે. મુખ્યમંત્રીની અગાઉની ટકોર માત્ર ટકોર જ રહી, કોઈ સુવિધા મળી નથી. આ મુખ્ય રસ્તાઓ મુખ્યમંત્રી આવે ત્યાં સુધી જ સારા રહેશે અને ત્યારબાદ ફરી જેવા હતા તેવા જ થઈ જશે. ખરાબ રસ્તાઓના કારણે વૃદ્ધોએ બહાર નીકળવું મુશ્કેલ બન્યું છે- ગિરધારીભાઈ
બસ સ્ટેન્ડ પાછળના ગિરિરાજ નગરમાં રહેતા ગિરધારીભાઈએ જણાવ્યું કે આ વિસ્તારમાં ચાલી શકાય તેવા રોડ-રસ્તા નથી, બધી બાજુ રસ્તાઓ ખોદી નાખવામાં આવ્યા છે. ગઈકાલે જ એક ભાઈ અહીં ખરાબ રોડ-રસ્તાના કારણે અકસ્માતનો ભોગ બન્યા છે. જુનાગઢ આઝાદ થયું જ નથી, અહીં બખડજંતર ચાલી રહ્યું છે. કદાચ બીજા ભવમાં જૂનાગઢ આઝાદ થાય, પરંતુ આ ભવમાં તો નહીં થાય. ખરાબ રોડ-રસ્તાના કારણે અકસ્માતનો ભોગ બનેલા મણિલાલ અરમાણીયાએ જણાવ્યું કે જૂનાગઢને હજુ પૂરતી સુખ-સુવિધા મળી નથી, એટલે આઝાદી મળી નથી. આ ખરાબ રોડ-રસ્તા પર ચાલતા ચાલતા અચાનક જ પડી જવાય છે, છેલ્લા વર્ષમાં હું ચાર વાર આ ખરાબ રોડ-રસ્તાનો ભોગ બન્યો છું. રજૂઆત કરીએ છીએ ત્યારે કોઈ સાંભળતું નથી. મુખ્યમંત્રી આવવાના છે, માટે તેમના પસાર થવાના રસ્તા પર થીગડાં મારવામાં આવ્યા છે, જેથી તેમને રોદો ન આવે. અહીં ક્યારેય કોર્પોરેટર પણ દેખાયા નથી અને બધું લોલમલોલ ચાલે છે. નવા રસ્તા બનવાના છે તો પછી પેચવર્ક કરી કરોડો રૂપિયાના વેડફાટનું કારણ શું?- વિપક્ષ
જૂનાગઢ વિપક્ષના નેતા લલિત પરસાણાએ સત્તાધારી પક્ષ પર ગંભીર આક્ષેપો કરતા જણાવ્યું કે, દિવાળી પહેલા શહેરના મુખ્ય રસ્તાઓમાં ડામરના પેચવર્ક કરવામાં આવ્યા હતા, જે રસ્તાઓ ₹275 કરોડના ખર્ચે બનવાના છે. હવે ટેન્ડર બે-ચાર દિવસમાં ખોલવાના છે, ત્યારે જે રસ્તા ઉપર લાખો રૂપિયા ખર્ચી પેચવર્ક કર્યું તેને ફરી ખોદવામાં આવશે. આ પ્રજાના પૈસાનો કરોડો રૂપિયાનો વેડફાટ છે. વર્ષોથી જૂનાગઢની જનતાને સુવિધા આપવા મામલે ચીરહરણ કરવામાં આવે છે. હાલ મુક્તિ દિવસની ઉજવણીના સમયે એટલું જ કહીશ કે શાસકો, ભ્રષ્ટાચાર અને ખાડાઓના ત્રાસથી જૂનાગઢને મુક્ત કરવું જોઈએ. ઉપરકોટના રિનોવેશન છતા ત્યાં સુધી પહોંચવાનો એકપણ સારો રસ્તો નથી-અમૃત દેસાઈ
જૂનાગઢના જાગૃત નાગરિક અમૃતભાઈ દેસાઈએ પણ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું કે આજે પણ જૂનાગઢ આઝાદ થયું નથી. જૂનાગઢ મહાનગરપાલિકાને અસ્તિત્વમાં આવ્યાને 20 વર્ષ વીત્યા, કરોડો રૂપિયા વિકાસ માટે ફાળવાયા, પરંતુ આજની તારીખે પણ જૂનાગઢની પ્રજા ખરાબ રોડ-રસ્તાના કારણે મુશ્કેલી ભોગવી રહી છે અને જુનાગઢ ‘ખાડાગઢ’ તરીકે ઓળખાઈ ગયું છે. નરસિંહ મહેતાના ચોરાનો નવો રસ્તો તૂટી ગયો છે અને ઉપરકોટના રીનોવેશન છતાં ત્યાં સુધી પહોંચવાનો એક પણ રસ્તો સારો નથી. ટૂંક સમયમાં 275 કરોડના ખર્ચે શહેરના નવા રસ્તા બનાવવાનો પ્રોજેક્ટ શરૂ થશે- સ્ટે. ચેરમેન
આ સમગ્ર મામલે જૂનાગઢ મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પલ્લવીબેન ઠાકરે સાથે દિવ્ય ભાસ્કરે ટેલીફોનિક વાતચીત કરતા તેમને જણાવ્યું કે, આગામી ત્રણ-ચાર દિવસમાં જ ₹275 કરોડના ખર્ચે જૂનાગઢના રોડ-રસ્તા નવા બનશે તેની ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થશે. હાલ જે રસ્તા ઉપર પેચવર્ક કરવામાં આવ્યું છે, તેને નવા રોડ બનાવવા માટે ફરી ખોદવા જરૂરી બનશે. જમીનની અંદરના કામો ગટર, ગેસ પાઇપલાઇનને કારણે રોડ-રસ્તા ખોદવા જરૂરી બને છે, પરંતુ હવે થોડા સમય બાદ જ ₹275 કરોડના ખર્ચે નવા શહેરના રસ્તાઓ બનશે એટલે લોકોને મુશ્કેલી નહીં પડે.પલ્લવીબેન ઠાકરને જ્યારે પૂછવામાં આવ્યું કે છેલ્લા દસ વર્ષમાં ભાજપે કરેલા વિકાસ કાર્યો કે જેનો જૂનાગઢની જનતા લાભ લઈ રહી હોય તેવા નામો જણાવો ત્યારે પલ્લવીબેન ઠાકર દસ વર્ષમાં પૂર્ણ કરેલા પાંચ કામો પણ જણાવી શક્યા ન હતા.

Read more

← Back to Home