Gujarati News

મિલકત વેરામાં વ્યાજ માફી યોજના:વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની મિલકત વેરા બાકી વસૂલાત માટે વ્યાજ માફી યોજના જાહેર

Published: November 7, 2025 • Language: English

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન (VMC) દ્વારા મિલકત વેરાના પાછલા વર્ષોના બાકી રહેલા વેરાની વસૂલાત વધારવા માટે વિશેષ વ્યાજ વળતર (ઇન્સેન્ટિવ રિબેટ) યોજના લાગુ કરવામાં આવી છે. આ યોજના હેઠળ કરદાતાઓને બાકી વ્યાજની રકમમાં 60 થી 100 ટકા સુધીની છૂટ આપવામાં આવશે. યોજના આજથી એટલે કે 7 નવેમ્બરથી શરૂ થઈ ગઈ છે અને 31 માર્ચ 2026 સુધી અમલમાં રહેશે. વડોદરા મહાનગર પાલિકાના અધિકારીઓના જણાવ્યા અનુસાર, મિલકતો બંધ રહેવી, કોર્ટ કેસ, લિક્વિડેશન અને રેવેન્યુ દાવા જેવા વિવિધ કારણોસર બાકી વેરાની વસૂલાતમાં અડચણો આવી રહી છે. આવી સ્થિતિમાં ખાતા સેટલ કરવા અને વેરા વસૂલાત વધારવા માટે આ વિશેષ યોજના અમલમાં મૂકાઈ છે. આ યોજનાનામાં મુખ્ય ભાડા આકારણી પદ્ધતિ (1 એપ્રિલ 2003 સુધીના મિલકત કર માટે) મૂળ બાકી વેરો એકસાથે ભરવામાં આવે તો વ્યાજની સંપૂર્ણ રકમમાં 100 ટકા ઇન્સેન્ટિવ રિબેટ મળશે. માત્ર વ્યાજની રકમ બાકી હોય તો પણ વ્યાજમાં 100 ટકા છૂટ મળશે. રિટર્ન થયેલા ચેક પરના ડિમાન્ડ ચાર્જમાં પણ આ લાભ મળશે (પરંતુ રિટર્ન ચેકના નિયમાનુસારના ચાર્જ અલગથી વસૂલાશે). આ સાથે ક્ષેત્રફળ આધારિત આકારણી પદ્ધતિમાં રહેણાંક મિલકતો માટે બાકી વ્યાજમાં 80 ટકા રિબેટ મળશે. જ્યારે બિન રહેણાંક મિલકતો માટે બાકી વ્યાજમાં 60 ટકા રિબેટ મળશે. આ સાથે વર્ષ 2024-25 સુધીના બિલમાં માત્ર વ્યાજ બાકી હોય તો પણ યોજનાનો લાભ મળશે. આ સાથે વર્ષ 2003-04 થી 2025-26 સુધીની સંપૂર્ણ બાકી રકમ ભરનારને રિબેટનો લાભ મળશે. કોર્પોરેશનના અધિકારીઓએ કરદાતાઓને અપીલ કરી છે કે આ તકનો લાભ લઈને બાકી વેરો ભરી દે અને વ્યાજની મોટી બચત કરે. વધુ માહિતી માટે VMCની નજીકની કચેરી અથવા ઓનલાઇન પોર્ટલનો સંપર્ક કરવા વિનંતી કરવામાં આવે તેવી અપીલ કરાઈ છે.

Read more

← Back to Home