Gujarati News

માધવપુર બીચ પર ભાઈબીજ નિમિત્તે ભાવિકોનું પવિત્ર સ્નાન:ગોવા-કેરળ જેવી દરિયાકિનારાની અનુભૂતિ માટે પ્રવાસીઓની ભીડ ઉમટી, શ્રદ્ધા સાથે બીચની મજા

Published: October 23, 2025 • Language: English

પોરબંદર જિલ્લાના સુપ્રસિદ્ધ માધવપુર દરિયા કિનારે ભાઈબીજના પવિત્ર તહેવારે હજારોની સંખ્યામાં ભાવિકો અને સહેલાણીઓ ઉમટી પડ્યા હતા. ગોવા અને કેરળ જેવા દરિયાકિનારાની અનુભૂતિ કરાવતા આ નયનરમ્ય બીચ પર વહેલી સવારથી જ દરિયામાં પવિત્ર સ્નાન કરવા માટે લોકોની ભારે ભીડ જોવા મળી હતી. આજે માધવપુર બીચ શ્રદ્ધા, ભક્તિ અને પ્રકૃતિના અનોખા સંગમથી છલકાઈ ઉઠ્યો હતો. આજે ભાઈબીજના પાવન દિવસે માધવપુર બીચ પર દરિયા કિનારાની લહેરો વચ્ચે ભાવિકોના નારા, ભક્તિ અને આનંદનો માહોલ સર્જાયો હતો, જેણે આ સ્થળને સૌરાષ્ટ્રના વિશિષ્ટ પ્રવાસન સ્થળ તરીકે વધુ મજબૂત બનાવ્યું છે. ભાઈબીજના તહેવારે દરિયામાં સ્નાન કરવાનું વિશેષ ધાર્મિક મહત્વ રહેલું છે. લોકમાન્યતા મુજબ, આ દિવસે યમન માતાજી માધવપુરના દરિયા કિનારે આવે છે, જેના કારણે ભક્તો અહીં સ્નાન કરીને પુણ્યનો લાભ મેળવે છે. આજે પણ હજારોની સંખ્યામાં ભાવિકોએ દરિયામાં ડૂબકી લગાવીને પવિત્ર આસ્થા વ્યક્ત કરી હતી. સૌરાષ્ટ્રના દરિયા કિનારાઓ તેમની અદ્ભુત સુંદરતા અને વિશાળતા માટે જાણીતા છે, જે અનેક પ્રવાસન સ્થળોને ટક્કર આપે છે. માધવપુરનો બીચ સૌરાષ્ટ્રના સૌથી સુંદર અને નયનરમ્ય દરિયા કિનારાઓમાં ગણાય છે, જે દરેક તહેવાર અને રજાના દિવસે મોટી સંખ્યામાં પ્રવાસીઓને આકર્ષે છે. માધવપુર ખાતે આવેલું શ્રી માધવરાયનું મંદિર અને તેમની હવેલી પણ ભાવિકો માટે આસ્થાનું કેન્દ્ર છે. દર વર્ષે અહીં ભગવાન શ્રીકૃષ્ણ અને દેવી રૂક્મણીના વિવાહોત્સવનો ભવ્ય કાર્યક્રમ યોજાય છે, જે દેશ-વિદેશના ભક્તોને આકર્ષિત કરે છે. આ ઉપરાંત, માધવપુર નજીક આવેલો ઓશો આશ્રમ પણ પ્રવાસીઓ માટે વિશેષ આકર્ષણનું કેન્દ્ર છે.
Read more

← Back to Home