Gujarati News

મહીસાગરમાં પ્રાકૃતિક ખેતપેદાશ વેચાણ કેન્દ્ર શરૂ:જિલ્લા કક્ષાએ ખેડૂતોની ઉપજ વેચવા સ્ટોલ ઊભો કરાયો

Published: November 7, 2025 • Language: English

મહીસાગર જિલ્લામાં પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને તેમની ખેતપેદાશોના સરળ વેચાણ માટે જિલ્લા કક્ષાએ એક પ્રાકૃતિક વેચાણ કેન્દ્રનો સ્ટોલ શરૂ કરવામાં આવ્યો છે. આ સ્ટોલ જિલ્લા કોર્ટની બાજુમાં ઊભો કરવામાં આવ્યો છે, જ્યાં ખેડૂતો સીધા ગ્રાહકોને પોતાની ઉપજ વેચી શકશે. રાજ્યપાલના સીધા માર્ગદર્શન હેઠળ, મહીસાગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવા માટે ઝુંબેશ સ્વરૂપે કામગીરી ચાલી રહી છે. આ પહેલનો મુખ્ય ઉદ્દેશ્ય ખેડૂતોની આર્થિક સ્થિતિ સુધારવાનો અને નાગરિકોને સ્વસ્થ આહાર પૂરો પાડવાનો છે. આ અંતર્ગત, જિલ્લા અને તાલુકા સ્તરે વિવિધ વિસ્તારોમાં પ્રાકૃતિક ખેતીની ઉપજ માટે વેચાણ કેન્દ્રો શરૂ કરવામાં આવ્યા છે. આ નવા વેચાણ કેન્દ્રમાં ગણપતસિંહ પરમાર જેવા પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોએ પોતાની ખેતપેદાશો, જેમાં પ્રાકૃતિક અનાજ, શાકભાજી અને ઘનજીવામૃતનો સમાવેશ થાય છે, તેનું વેચાણ કર્યું હતું. ગ્રાહકો તરફથી આ સ્ટોલને સારો પ્રતિસાદ મળ્યો હતો. ગ્રાહકોએ પ્રાકૃતિક રીતે તૈયાર કરાયેલી પેદાશોની ખરીદી કરી હતી અને ભવિષ્યની જરૂરિયાત માટે અન્ય પ્રાકૃતિક ઉત્પાદનોના ઓર્ડર પણ નોંધાવ્યા હતા. આ પ્રસંગે DRDA નિયામક ચંદ્રિકાબેન ભાભોરે લુણાવાડા પ્રાકૃતિક કૃષિ ખેત પેદાશ વેચાણ કેન્દ્ર (જિલ્લા પંચાયત રોડ)ની મુલાકાત લીધી હતી અને ખરીદી પણ કરી હતી.

Read more

← Back to Home