News For India – Gujarat
Loading…

મહીસાગરમાં કમોસમી વરસાદ ખેડૂતોનો પાક-ઘાસચારો નષ્ટ:જિલ્લાના વિવિધ વિસ્તારોમાં ભારે નુકસાન, ખેડૂતોની દેવા માફીની માંગ

મહીસાગર જિલ્લામાં ત્રણ દિવસના વિરામ બાદ ફરી કમોસમી વરસાદ વરસ્યો છે. ગતરોજ, 3 નવેમ્બરની રાત્રિએ લુણાવાડા, સંતરામપુર, બાલાસિનોર, કડાણા અને ખાનપુર સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. આ ભારે વરસાદને કારણે ખેડૂતોના ઊભા પાકને વ્યાપક નુકસાન થયું છે. ખાસ કરીને ડાંગરનો પાક નિષ્ફળ ગયો છે. ખેતરોમાં ઘૂંટણસમા પાણી ભરાઈ જતાં પશુઓ માટેનો ઘાસચારો પણ બગડી ગયો છે. ખેડૂતો સરકાર પાસે સર્વેના નામે થતા વિલંબને બંધ કરીને તાત્કાલિક દેવા માફ કરવાની માંગ કરી રહ્યા છે. તેઓનું કહેવું છે કે, સર્વે વગર સીધેસીધું દેવું માફ કરવું જોઈએ. પટેલ પ્રવિણભાઈએ જણાવ્યું કે, 24 ઓક્ટોબરથી 1 નવેમ્બર સુધી પડેલા વરસાદથી ડાંગરનો પાક સંપૂર્ણપણે નાશ પામ્યો હતો. ત્યારબાદ 3 નવેમ્બરની રાત્રિના ભારે વરસાદથી ખેતરોમાં પાણી ભરાઈ જતાં ઘાસચારો પણ નષ્ટ થયો છે. તેમણે ઉમેર્યું કે, હાલ મહીસાગર જિલ્લામાં ક્યાંયથી પણ પશુઓ માટે ઘાસચારો મળતો નથી, જેના કારણે પશુપાલકો મુશ્કેલીમાં મુકાયા છે. પ્રવિણભાઈએ સરકારની નીતિઓ પર સવાલ ઉઠાવતા કહ્યું કે, ગાંજાના છોડ પકડવા ડ્રોન કેમેરાનો ઉપયોગ થતો હોય અને કોરોના સમયે ધાબા પર ખીચડી બનતી હોય તે દેખાતું હોય તો ખેડૂતોનો પાક નષ્ટ થયો તે કેમ નથી દેખાતું? ખેડૂતોએ સરકાર પાસે તમામ દેવું માફ કરવાની આશા વ્યક્ત કરી છે. જો દેવું માફ કરવામાં નહીં આવે તો આગામી ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે.

Read more