મનપાને વેરા વસૂલાતના ટાર્ગેટમાં રૂ.149 કરોડ ઘટે છે:રાજકોટમાં ચાલુ નાણાકીય વર્ષમાં રૂ.450 કરોડના ટાર્ગેટ સામે રૂ.301 કરોડના ટેક્સની વસૂલાત
રાજકોટ મહાનગરપાલિકાને વેરા વસૂલાતના ટાર્ગેટમાં હજુ રૂ.149 કરોડ ઘટે છે. મનપાની ટેક્સ શાખા દ્વારા ચાલુ નાણાકીય વર્ષમાં રૂ.450 કરોડના ટાર્ગેટ સામે રૂ.301 કરોડના ટેક્સની વસૂલાત કરવામાં આવી છે. અત્યારસુધીમાં રૂ.3.82 લાખ કરદાતાઓ દ્વારા મિલકત વેરો અને પાણી વેરો ભરવામાં આવ્યો છે. જોકે હજુ ટાર્ગેટ સુધી પહોચવા માટે વેરા વસૂલાત શાખા મિલકત સીલ સહિતની કામગીરી કરી રહી છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વર્ષ 2025 – 26 માં મિલ્કતવેરો તથા પાણીવેરો ભરપાઇ કરવા માટે 9 એપ્રિલ, 2025થી વેરાની વસુલાત ચાલુ કરવામાં આવેલી છે. તા.8 નવેમ્બર સુધીમાં કુલ રૂ.3,82,951 કરદાતા મારફત રૂ.301.03 કરોડની વસુલાત થઈ છે. ચાલુ વર્ષમાં બાકી મિલકત વેરા વસુલાત સામે વોર્ડ નં.1 મા કુલ 9, વોર્ડ ન.2 મા 11, વોર્ડ નં.3 મા 19, વોર્ડ નં.5 માં કુલ 2, વોર્ડ નં.6 માં કુલ 5, વોર્ડ નં.7 માં 98, વોર્ડ નં.8 માં 4, વોર્ડ નં.9 મા 7, વોર્ડ નં.10માં 18, વોર્ડ નં.11 માં 8, વોર્ડ નં.12માં 8, વોર્ડ નં.13માં 4, વોર્ડ નં.14માં 6, વોર્ડ નં.17 માં 6 અને વોર્ડ નં.18માં 2 આમ 207 મિલકતો સીલ મારવામાં આવેલી છે. શહેરમાં મહાનગરપાલિકાની ટેક્સ શાખા દ્વારા દર વર્ષે વેરા વસૂલાતનો ટાર્ગેટ વધારવામાં આવે છે ત્યારે આ વર્ષે મનપા દ્વારા રૂ.450 કરોડની વેરા વસૂલાતનો ટાર્ગેટ રાખવામાં આવ્યો છે. જ્યાં સુધી પહોચવા માટે ટેક્સ શાખાના અધિકારીઓ સહિતની ટીમ ઉંધા માથે છે. મ્યુનિસિપલ કમિશ્નરના માર્ગદર્શન હેઠળ નાયબ કમિશ્નર સી.કે. નંદાણી સહિતના દ્વારા વેરા વસુલાતની સઘન કામગીરી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત હાલ સીલીંગ અને રીકવરીની કામગીરી ચાલુ છે.
