ભાસ્કર બ્રેકિંગ:ફાયર NOC, BU પરમિશન, સીસીટીવી હશે તેવી જ સ્કૂલમાં બોર્ડની પરીક્ષાનાં કેન્દ્ર ફાળવાશે
રાજકોટ સહિત રાજ્યભરમાં લેવાનારી બોર્ડની પરીક્ષાઓને ધ્યાને રાખીને શિક્ષણ વિભાગે વિદ્યાર્થીઓની સુરક્ષા મુદ્દે ખાસ કડકાઈ દાખવી છે. બોર્ડની પરીક્ષાનું કેન્દ્ર હવે એવી જ સ્કૂલોમાં ફાળવાશે જ્યાં તમામ જરૂરી સુરક્ષા માપદંડો જેમ કે ફાયર NOC, બિલ્ડિંગ યૂઝ (BU) પરમિશન, સીસીટીવી સર્વેલન્સ અને ઈમરજન્સી એક્ઝિટની સુવિધા પૂર્ણ રીતે ઉપલબ્ધ હશે. જિલ્લા શિક્ષણાધિકારીએ બોર્ડની પરીક્ષાની તૈયારીના ભાગરૂપે શહેર તેમજ તાલુકા વિસ્તારની વિવિધ શાળાઓની મુલાકાત લઈને બિલ્ડિંગ અને સુરક્ષા વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું હતું. નિરીક્ષણ દરમિયાન અધિકારીઓએ ખાસ કરીને ફાયર સેફ્ટી સિસ્ટમ, ઈમરજન્સી દરવાજા, વીજ વાયરિંગની સલામતી તેમજ વિદ્યાર્થીઓ માટેની બેસવાની સુવિધા અંગે માહિતી મેળવી હતી. આવું કરવાનો મુખ્ય હેતુ પરીક્ષાના સમયગાળા દરમિયાન વિદ્યાર્થીઓની સલામતી અને સુરક્ષા સુનિશ્ચિત કરવાનો છે. આ ઉપરાંત, CCTV કેમેરાની હાજરીથી પરીક્ષામાં થતી ગેરરીતિને પણ અસરકારક રીતે અટકાવી શકાશે. અગાઉ કેટલાક વિસ્તારોમાં જૂના બિલ્ડિંગ અથવા યોગ્ય પરમિશન વિનાની શાળાઓમાં કેન્દ્ર ફાળવાતા વિદ્યાર્થીઓની સુરક્ષા અંગે પ્રશ્નો ઊભા થતા હતા. હવે તેવું જોખમ ટાળવા સ્પષ્ટ પગલાં લેવામાં આવ્યા છે. બોર્ડની પરીક્ષા માટે શાળાના બિલ્ડીંગ ચેક કરવાની કામગીરીમાં ડીઇઓ ઓફિસના અધિકારીઓ સહિત 20 થી વધુ કર્મીઓ જોડાયા છે. વિદ્યાર્થીના ઘરથી 3 થી 4 કિ.મી એરિયામાં જ પરીક્ષા કેન્દ્ર ફાળવાશે
વિદ્યાર્થીઓને લાંબુ અંતર કાપીને પરીક્ષા કેન્દ્ર સુધી ન જવું પડે અને મુસાફરીનો તણાવ ન રહે તે હેતુથી મહત્ત્વનો નિર્ણય લીધો છે. બોર્ડની પરીક્ષા આપતા વિદ્યાર્થીઓને તેમના ઘરથી માત્ર 3 થી 4 કિલોમીટરની ત્રિજ્યામાં જ પરીક્ષા કેન્દ્ર ફાળવવામાં આવશે. જિલ્લા શિક્ષણાધિકારીએ આ સુનિશ્ચિત કરવા સૂચના આપી છે કે કોઈપણ વિદ્યાર્થીએ બિનજરૂરી રીતે દૂરના સ્થળે પરીક્ષા આપવા જવું ન પડે. આ નિર્ણયથી પરીક્ષાર્થીઓ સમયસર કેન્દ્ર પર પહોંચી શકશે અને વધુ શાંત મનથી પેપર લખી શકશે.
