ભાસ્કર નોલેજ:બેંકનો કસ્ટમર કેર નંબર સર્ચ કર્યો, કોલ કરતાં વૃદ્ધાના 91 લાખ ગાયબ
યુકેમાં વર્ષો સુધી રહી શહેરમાં આવીને વસેલી વૃદ્ધા કસ્ટમર કેર સ્કેમનો ભોગ બની છે. ગુગલ ઉપર બેન્કનો કસ્ટમર કેરનો નંબર શોધતા ભળતો નંબર ડાયલ થઇ જતાં ભેજાબાજોએ ફોન હેક કરી 91.10 લાખ ઉપાડી લીધા હતા. આ અંગે સાયબર ક્રાઈમ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. વૃદ્ધાના પતિ યુકેમાં સરકારી ડોકટર હતા. એમના અવસાન પછી 87 વર્ષના મૃદુલાબેન પટેલ અકોટામાં રહે છે. જેમણે ફરિયાદમાં જણાવ્યું છે કે, ઇકવિટસ બેંકમાં 20.10 લાખની એફડીની મુદત પૂર્ણ થતાં રકમ ટ્રાન્સફર કરવા ગુગલ પરથી કસ્ટમર કેરનો નંબર લીધો હતો. જેની ઉપર સંપર્ક કરતા અભિષેક નામની વ્યક્તિએ વાત કરી હતી. જેણે મારો કોલ ફોરવર્ડ કરાવ્યા બાદ કોલ બીજે ફોરવર્ડ થવા માંડ્યા હતા. મારી પાસે આધાર કાર્ડ અને ડેબિટ કાર્ડની વિગતો લેવાયા બાદ ફોન હેક થયો હતો. તા.20થી 22 ઓક્ટોબર દરમિયાન મારા ખાતામાં 57 ટ્રાન્જેક્શન થયા હતા અને રૂ.91.10 લાખ અન્ય ખાતામાં ટ્રાન્સફર થઈ ગયા હતા. રાષ્ટ્રીય હેલ્પ લાઇન ઉપર ફોન કરી જાણ કર્યા બાદ ફરિયાદ સાયબર ક્રાઈમ વિભાગ પાસે આવી હતી. પોલીસે મારા ખાતામાંથી કોના ખાતામાં રૂ.91.10 લાખ ટ્રાન્સફર થયાં એની માહિતી અને ખાતા ધારકોના નામ-સરનામા બેંક પાસેથી માંગ્યા છે. સર્ચ એન્જિનમાં કસ્ટમર કેરના નંબર પર નાના અક્ષરે જાહેરાત લખે છે, તે નકલી
સાયબર એક્સપર્ટ આશિષ પટેલે જણાવ્યું છે, કે નકલી કસ્ટમર કેર સાયબર ક્રાઇમનો એક ભાગ છે. જેમાં ગૂગલ પર સર્ચ કરતા ત્રણ જુદા જુદા નંબરો દેખાય છે. સાવચેતી રાખી ખાતરી કર્યા બાદ ફોન કરવો જોઈએ, તેમાં બે ખોટા અને એક જ નંબર સાચો હોય છે. નકલી નંબરો પર બેંક જેવા જ લાગતાં સિમ્બોલ અને ટેગ લાઇનનું લખાણ હોય છે. સામાન્ય લોકો આસાનીથી વિશ્વાસમાં આવી જાય છે. ભેજાબાજો પ્રતિનિધિ હોવાનો ઢોંગ કરે છે અને ગ્રાહકની અંગત માહિતી ભેગી કરે છે. ગુગલ કે અન્ય સર્ચ એન્જિન પર ભેજાબાજો જાહેરાત સ્વરૂપે નકલી કસ્ટમર કેર નંબર મૂકે છે. બહુ નાના અક્ષરે જાહેરાત હોવાનું લખ્યું હોય છે. સિમ્બોલ અને લખાણ બેંક જેવા હોવાથી લોકો આ નંબરો પર ફોન કરે ત્યારે છેતરપિંડીનો ભોગ બને છે.
