ભાજપના પ્રદેશ પ્રમુખ ખેડા જિલ્લાની મુલાકાતે:નડિયાદથી જગદીશ વિશ્વકર્માએ કહ્યું- 'કોંગ્રેસે સરદાર સાહેબનું અપમાન કર્યું છે 41 વર્ષ સુધી ભારત રત્નનો એવોર્ડ આપ્યો નહોતો'
ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ આજે ખેડા જિલ્લાની મુલાકાતે આવ્યાં છે. નવનિર્વાચિત પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા ફાગવેલ પહોંચ્યા હતા. જ્યાં ક્ષત્રિય વીર ભથીજી મહારાજના ચરણોમાં મસ્તક ઝુકાવ્યું હતું. ફાગવેલ મંદિર દ્વારા જગદીશ વિશ્વકર્માનું સન્માન કરાયું હતું. તેમજ તલવાર અને પુષ્પ ભેટ સાથે સાકર તુલા કરાઈ હતી. ફાગવેલથી પ્રદેશ પ્રમુખ નડિયાદ પહોંચ્યા હતા. સરદાર સાહેબને શ્રદ્ધાંજલિ અર્પણ કરી
નડિયાદ ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમના આગમનને પગલે શહેરના માર્ગો પર મોટી સંખ્યામાં પક્ષના કાર્યકરો અને સમર્થકો ઉમટી પડ્યા હતા. કાર્યકરોએ બાઈક અને ગાડીઓના કાફલા સાથે પ્રદેશ પ્રમુખને આવકાર્યા હતા. સ્વાગત બાદ પ્રદેશ પ્રમુખે પોતાની યાત્રા આગળ વધારી હતી. તેઓ નડિયાદના સંતરામ મંદિર જવા રવાના થયા હતા, જ્યાં તેમણે પૂજન-અર્ચન કરીને સંતોના આશીર્વાદ લીધા હતા. ત્યારબાદ, તેમણે સરદાર વલ્લભભાઈ પટેલના જન્મસ્થળની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દ્વારા તેમણે સરદાર સાહેબને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. મંદિર અને સરદાર પટેલના જન્મસ્થળની મુલાકાત પૂર્ણ કર્યા બાદ પ્રદેશ પ્રમુખ યોગી ફાર્મ પહોંચ્યા હતા યોગી ફાર્મ ખાતે જગદીશ વિશ્વકર્માનો અભિવાદન સમારોહ યોજાયો
સોમવારે નડિયાદ શહેરના પીપલગ રોડ પર આવેલા યોગી ફાર્મ ખાતે ગુજરાતના નવનિયુક્ત ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માનો અભિવાદન સમારોહ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ખેડા જિલ્લા સહિત રાજ્યભરમાંથી હજારોની સંખ્યામાં ભાજપના કાર્યકરો, મહામંત્રીઓ અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. પ્રમુખનું 51 હજાર પુસ્તકોથી ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. કોંગ્રેસ પક્ષ પર આકરા પ્રહારો કર્યા
પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ પોતાના સંબોધનમાં કોંગ્રેસ પક્ષ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કોંગ્રેસ પર વિકાસની ગતિમાં અવરોધ ઊભો કરવાનો અને ભાગલાવાદી રાજનીતિ કરવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે સ્પષ્ટપણે કહ્યું કે, કોંગ્રેસે સરદાર સાહેબનું અપમાન કર્યું છે. તેમણે ઉમેર્યું કે, 41 વર્ષ સુધી કોંગ્રેસે સરદાર પટેલને ભારત રત્નનો સર્વોચ્ચ એવોર્ડ આપ્યો નહોતો, જે સરદાર સાહેબ જેવા વૈશ્વિક નેતાનું અપમાન હતું. જગદીશ વિશ્વકર્માએ કોંગ્રેસના નેતાઓ પર પ્રશ્નો ઉઠાવ્યા
સરદાર પટેલના વિરાટ સ્વરૂપ સમાન ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’નો ઉલ્લેખ કરતાં જગદીશ વિશ્વકર્માએ કોંગ્રેસના નેતાઓ પર પ્રશ્નો ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું કે, આ વિરાટ સ્વરૂપની મુલાકાત લેવાની તસ્દી આજ સુધી કોંગ્રેસના એક પણ નેતાએ લીધી નથી. ખેડા જિલ્લાના વતની હોવા છતાં કોંગ્રેસના નેતાઓને સવાલ પૂછવાની અપીલ કરતાં તેમણે કહ્યું કે, તેમને પૂછો કે તેઓ ક્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા ગયા છે, જેનાથી સાચો જવાબ મળી જશે. સરદાર સરોવર યોજનાને લઈને કોંગ્રેસ પર નિશાન સાધ્યું
સરદાર સરોવર યોજનાને લઈને પણ વિશ્વકર્માએ કોંગ્રેસ પર નિશાન સાધ્યું હતું. તેમણે જણાવ્યું કે, કોંગ્રેસે વર્ષો સુધી સરદાર સરોવરની ઊંચાઈ વધારવા ન દીધી. જોકે, વડાપ્રધાનના નેતૃત્વમાં યુદ્ધના ધોરણે આ સરોવરની ઊંચાઈ વધારવામાં આવી, જેના પરિણામે રાજ્યના સૌરાષ્ટ્ર અને કચ્છના છેવાડા સુધી નર્મદાના નીર પહોંચ્યા. તેમણે ભારપૂર્વક કહ્યું કે, સરદાર પટેલનું અપમાન જો કોઈએ કર્યું હોય તો તે કોંગ્રેસે કર્યું છે, જ્યારે ભાજપના શાસનકાળમાં જ સ્ટેચ્યુ ઓફ યુનિટીનું નિર્માણ થયું. નવનિયુક્ત પ્રમુખે યુવાનો, યુવતીઓ અને ખેડૂતોને દેશના સર્વાંગી વિકાસમાં મદદરૂપ થવા માટે આગળ આવવાની અપીલ કરી હતી. તેમણે કોંગ્રેસ પર આઝાદીના 75 વર્ષ સુધી ભય, ભૂખ અને ભ્રષ્ટાચાર આપવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે સ્વચ્છ ભારત મિશન, ડિજિટલ ભારત અને આત્મનિર્ભર ભારતને આગળ વધારવાની વાત કરી હતી. આ સાથે જ તેમણે ઉપસ્થિત સૌને સ્વદેશી અપનાવવા માટે ખાસ અનુરોધ કર્યો હતો. 51 હજાર પુસ્તકોથી સ્વાગત
જગદીશ વિશ્વકર્માએ ખેડા જિલ્લા દ્વારા કરવામાં આવેલા 51 હજાર પુસ્તકોથી સ્વાગત બદલ આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું કે, આ પુસ્તક જરૂરિયાતમંદો સુધી પહોંચાડવામાં આવશે. પ્રવચન પૂર્ણ થયા બાદ ભાજપના કાર્યકરો, મહામંત્રીઓ અને અગ્રણીઓએ પ્રદેશ પ્રમુખનું અભિવાદન કર્યું હતું. આ પ્રસંગે રાજ્યકક્ષાનાં મહેસુલ અને આપત્તિ વ્યવસ્થાપન, પંચાયત અને ગ્રામ ગૃહ નિર્માણ, ગ્રામ વિકાસ, ગુજરાત સરકારના મંત્રી સંજયસિંહ મહિડા, પ્રદેશના ઉપાધ્યક્ષ, જિલ્લા ભાજપ પ્રમુખ નયનાબેન પટેલ, ગોરધન ઝડફીયા, જિલ્લાના પ્રભારી મંત્રી રમણ સોલંકી, જાનવીબેન વ્યાસ, નડિયાદના ધારાસભ્ય પંકજ દેસાઈ, કપડવંજના ધારાસભ્ય રાજેશ ઝાલા, માતરના ધારાસભ્ય કલ્પેશ પરમાર, ઠાસરાના ધારાસભ્ય યોગેન્દ્રસિહ પરમાર, મહેમદાવાદના ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણ, માનસિંહ ચૌહાણ, વિપુલ પટેલ, અમૂલ ડેરીના ચેરમેન વિપુલ પટેલ, સહિત સહકારી આગેવાનો, અગ્રણીઓ હાજર રહ્યા હતા.
