Divya Bhaskar

ભરૂચમાં “સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતા મુક્ત ગુજરાત” અભિયાન:યોગ સંવાદ કાર્યક્રમ યોજાયો, જાગૃતિ લાવવાનો હેતુ

Published: November 3, 2025 • Language: English

ભરૂચ ખાતે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ, ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ “સ્વસ્થ ગુજરાત – મેદસ્વિતા મુક્ત ગુજરાત” અભિયાન અંતર્ગત યોગ સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શીશપાલજીના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ કાર્યક્રમનો હેતુ સમાજમાં યોગ પ્રત્યે જાગૃતિ લાવવાનો તથા આવનારી પેઢીને યોગ તરફ પ્રેરિત કરવાનો હતો. કાર્યક્રમનું માર્ગદર્શન ઝોન કોઓર્ડિનેટર પારુલ પટેલ દ્વારા આપવામાં આવ્યું હતું,જ્યારે આયોજન ભરૂચ જિલ્લા કોઓર્ડિનેટર બીનીતાબેન પ્રજાપતિના નેતૃત્વમાં જીએનએફસી લેડીસ ક્લબ ખાતે કરવામાં આવ્યું હતું. આ અવસરે ભરૂચ જિલ્લાના ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, એસટીએસસી સેલ ડીવાયએસપી ડો.અનિલ સિસરા, જીએનએફસીના એડિશનલ જનરલ મેનેજર, ડીવાયએસઓ સહિતના અગ્રણી મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લા સ્તરના વિવિધ એનજીઓ પ્રતિનિધિઓ તથા સંસ્થાઓના મહેમાનોની ઉપસ્થિતિથી કાર્યક્રમને વિશેષ ઉજાસ મળ્યો હતો. સાંસ્કૃતિક કાર્યક્રમો સાથે લગભગ 300 જેટલા યોગી ભાઈ-બહેનોની ઉપસ્થિતિમાં યોગ કૌશલ્ય પ્રદર્શન તથા યોગસાધકોના અભિપ્રાયો રજૂ થયા હતા.વર્ષ દરમિયાન યોગ ક્ષેત્રે મહત્વપૂર્ણ કામગીરી કરનારા યોગ ટ્રેનરો અને સેવકોને સન્માનિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમના સફળ આયોજનમાં એક્ટિવ યોગ ટ્રેનર કૃપા પટેલ, સુરેન્દ્ર ચૌહાણ, સોશિયલ મીડિયા કોઓર્ડિનેટર ભાવિકા ઠાકર અને તેમની ટીમનું મહત્વપૂર્ણ યોગદાન રહ્યું હતું.

Read more at source

← Back to Home