ભરૂચમાં રખડતા ઢોરનો ત્રાસ:બાઈક પર જઈ રહેલી મહિલા પર ગાયે હુમલો કર્યો, સ્થાનિકોએ માંડ માંડ મહિલાનો જીવ બચાવ્યો
ભરૂચ શહેરમાં રખડતા પશુઓનો ત્રાસ વધ્યો છે. ગુરુવારે શક્તિનાથથી શ્રવણ ચોકડી રોડ પર ગાયના હુમલાના બે અલગ-અલગ બનાવો બન્યા હતા, જેમાં એક બાળક સહિત ચાર લોકોનો આબાદ બચાવ થયો હતો. પ્રથમ ઘટનામાં, એક ગાય અચાનક દોડી આવતા બાઇક પર સવાર એક મહિલા રોડની બાજુમાં પટકાઈ હતી. આસપાસના લોકોએ ગાયને હટાવી મહિલાને બચાવી હતી. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. ગુરુવારે શક્તિનાથથી શ્રવણ ચોકડી વિસ્તારમાં એક ગાય વાહનચાલકો પાછળ દોડવા લાગી હતી. શ્રવણ ચોકડી પાસે એક બાઇકચાલકને ગાયે પટકાવ્યો હતો. અન્ય એક કિસ્સામાં, HDFC બેંક સામે બાઇક પર બાળક સાથે ઊભેલા પિતા પર ગાયે હુમલો કર્યો હતો, જેમાં બંને પટકાયા હતા. તેમને બચાવવા આવેલા એક લારીધારકને પણ ઈજા થઈ હતી. ચોમાસાની શરૂઆતથી શહેરના રસ્તાઓ પર રખડતા પશુઓનો અડિંગો વધી ગયો છે. પાલિકાએ થોડા સમય માટે પશુ પકડવાની ઝુંબેશ શરૂ કરી હતી, પરંતુ હાલ તે બંધ છે. શ્રવણ ચોકડીથી પાંચબત્તી સુધીના ત્રણ કિલોમીટર લાંબા રોડ પર, ખાસ કરીને શક્તિનાથ અને સેવાશ્રમ રોડ પર શાકમાર્કેટ નજીક, રખડતા પશુઓનો ત્રાસ વધુ જોવા મળે છે. માનદ વન્યપ્રાણી સંરક્ષક આશિષ શર્માના જણાવ્યા અનુસાર, ગાયના હિંસક વર્તન પાછળ અનેક કારણો જવાબદાર હોય છે. વાછરડું ખોવાઈ જાય ત્યારે ગાય આક્રમક બની શકે છે. ઉપરાંત, કોઈ રંગ, અવાજ અથવા અચાનક ગતિથી પણ તે ભડકી શકે છે. ટોળાથી અલગ પડેલી ગાય અચાનક દોટ મૂકી દે છે. રખડતા પશુઓના હુમલાથી બચવા માટે તેમની નજીક જવાનું ટાળવું જોઈએ. પશુઓના ટોળા નજીકથી પસાર થતી વખતે હોર્ન ન મારવો અને ફટાકડા કે મોટા અવાજથી તેમને ચોંકાવવા ન જોઈએ, કારણ કે આવા અવાજો અને રંગો ગાય અથવા આખલાને હુમલાખોર બનાવી શકે છે.
