ભરૂચમાં દિવાળી દરમિયાન આગની 15 ઘટનાઓ:ફાયર બ્રિગેડની તત્પરતાથી મોટું નુકસાન ટળ્યું
દિવાળીના પાવન તહેવારની ઉજવણી દરમિયાન ભરૂચ શહેર અને આસપાસના વિસ્તારોમાં રાત્રે ફટાકડાના કારણે 15 જેટલા સ્થળોએ આગ લાગવાના બનાવો નોંધાયા હતા.શહેરના વિવિધ વિસ્તારોમાં લોકો ફટાકડાનો આનંદ માણી રહ્યા હતા તે દરમિયાન કેટલીક જગ્યાએ સૂકા કચરા ઢગલા, ઝાડની પાંદડીઓ અને મકાનની છત ઉપર આગ લાગી હતી. આ અંગેની જાણ થતા જ ભરૂચ નગરપાલિકાની ફાયર બ્રિગેડની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને આગને કાબુમાં લેવા માટે સતત કામગીરી હાથ ધરી હતી.ફાયર ફાઇટરોએ પાણીના ટૅન્કર અને ફાયર વાહનોની મદદથી સમયસરની કાર્યવાહી કરી હોવાથી કોઈ જાનહાનિ કે મોટી આર્થિક નુકસાની થવા પામી નથી. આ અંગે ઈનચાર્જ ફાયર અધિકારી શૈલેષ સાંસિયાએ જણાવ્યું હતું કે, તહેવારના દિવસોમાં નગરપાલિકાએ વધારાના સ્ટાફ સાથે ત્રણેય શિફ્ટમાં ફાયર ટીમને તૈનાત રાખી હતી. જેના કારણે દરેક સ્થળે તાત્કાલિક પ્રતિસાદ મળી શક્યો હતો. આ ઉપરાંત નાગરિકોને સલામતી માટે અપીલ કરવામાં આવી હતી કે ફટાકડાનો ઉપયોગ ખુલ્લી જગ્યાએ અને આગપ્રવૃત્ત પદાર્થોથી દૂર રાખવો.સાથે જ લોકોમાં આવેલી ફાયર જાગૃતિના કારણે મોટા બનાવો બનતાં અટક્યા છે. ફટાકડાના આનંદ વચ્ચે થયેલા આ બનાવો છતાં ફાયરતંત્રની તત્પર કામગીરીને કારણે ભરૂચમાં કોઈ મોટી દુર્ઘટના ન બની તે શહેર માટે રાહતજનક બાબત ગણાય છે.
Read more
