ભરૂચમાં જુગાર પર પોલીસનો દરોડો:ભીડભંજન ખાડી પાસે 2.84 લાખના મુદ્દામાલ સાથે 6 ઝડપાયા
Published: November 4, 2025 •
Language: English
ભરૂચ શહેરની એ ડિવિઝન પોલીસે ભીડભંજનની ખાડી પાસે હનુમાન મંદિર નજીક ચાલતા જુગાર પર દરોડો પાડ્યો હતો. આ દરોડામાં છ જુગારીયાઓને ઝડપી પાડવામાં આવ્યા હતા અને કુલ 2.84 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે આ કાર્યવાહી કરવામાં આવી હતી. દરોડા દરમિયાન જુગાર રમવાના સાધનો, ચાર મોબાઈલ ફોન, ચાર મોપેડ અને રોકડ રૂપિયા 24,290 સહિત કુલ 2.84 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. ઝડપાયેલા જુગારીયાઓમાં અનીસ રાણા, શાહરૂખ મીરાસી, તરુણ રાણા, કૃણાલ રાણા, કમલેશ વસાવા અને જેઠાભાઈ વણકરનો સમાવેશ થાય છે. પોલીસે આ તમામ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
