ભરૂચમાં કમોસમી વરસાદથી પાકને નુકસાન, સર્વે પૂર્ણ:મુખ્યમંત્રીની સૂચનાથી 355 ટીમોએ ગામડે-ગામડે આંકલન કર્યું
ભરૂચ જિલ્લામાં કમોસમી વરસાદ (માવઠા)ને કારણે ખેડૂતોને થયેલા પાક નુકસાનનો સર્વે ખેતીવાડી વિભાગ દ્વારા યુદ્ધના ધોરણે પૂર્ણ કરવામાં આવ્યો છે. મુખ્યમંત્રીની સૂચના અને જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણા તથા જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસેના માર્ગદર્શન હેઠળ આ કામગીરી સફળતાપૂર્વક પાર પાડવામાં આવી. આ સર્વે માટે કુલ 355 ટીમોની રચના કરવામાં આવી હતી. આ ટીમોમાં ખેતીવાડી વિભાગના અધિકારીઓ ઉપરાંત તલાટી મંત્રીઓ,આત્મા વિભાગ અને વિસ્તરણ અધિકારીઓનો સમાવેશ થતો હતો. ટીમોએ ગામડે-ગામડે જઈને સરપંચો, ગ્રામ પંચાયતો અને ખેડૂત આગેવાનોની હાજરીમાં નુકસાનગ્રસ્ત ખેતરોનું નિરીક્ષણ કરી પંચરોજકામ મુજબ માહિતી એકત્રિત કરી. જિલ્લા ખેતીવાડી અધિકારી કુલદીપ વાળાએ જણાવ્યું કે, ભરૂચ જિલ્લામાં કુલ 2 લાખ 11 હજાર હેક્ટર વિસ્તારમાં વિવિધ પાકોનું વાવેતર થયું હતું.કમોસમી વરસાદને કારણે ડાંગર, કપાસ, સોયાબીન, તુવેર અને કઠોળ સહિતના પાકોને અસર થઈ છે. ખાસ કરીને કાપણીના તબક્કે પહોંચેલા ડાંગર, સોયાબીન અને કપાસના પાકને સૌથી વધુ નુકસાન થયું છે.તા.3ની સ્થિતિએ જિલ્લાના 9 તાલુકાના 654 ગામોમાં સર્વે કામગીરી પૂર્ણ થઈ છે. કુલ 2,05,454 હેક્ટર વાવેતર પૈકી 1,89,175 હેક્ટર વિસ્તાર અસરગ્રસ્ત જણાયો છે, જ્યારે 1,35,064 હેક્ટર વિસ્તારમાં 33 ટકા કે તેથી વધુ નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે. અંકલેશ્વર તાલુકાના તેલવા ગામના ખેડૂત મલેક અબ્દુલ લતીફ અહેમદે પોતાની પરિસ્થિતિ વર્ણવતા જણાવ્યું કે, “છ મહિનાથી વરસતા વરસાદે અમારા ડાંગરના પાકને ભારે નુકસાન કર્યું છે. સરકારે તરત વળતર આપવાની ખાતરી આપી છે,જેનાથી અમારી ચિંતા હળવી થઈ છે.” હાંસોટ તાલુકાના કલમ ગામના ખેડૂત જનક પટેલે જણાવ્યું કે,”વરસાદના કારણે ડાંગરના પાકનું ઉત્પાદન ઘણું ઘટ્યું છે,પરંતુ સરકારે પેકેજ જાહેર કરી ખેડૂતોને રાહત આપવાનો નિર્ણય લીધો તે પ્રશંસનીય છે.” વાલનેર ગામના ખેડૂત કુલદીપસિંહ ચૌહાણે પણ ઝડપી સર્વેની પ્રશંસા કરી અને સરકાર યોગ્ય વળતર ચૂકવે તેવી આશા વ્યક્ત કરી. રાજ્ય સરકાર કમોસમી વરસાદથી અસરગ્રસ્ત ખેડૂતોને યોગ્ય સહાય પહોંચાડવા પ્રતિબદ્ધ છે.મુખ્યમંત્રીના માર્ગદર્શન હેઠળ જિલ્લાના દરેક ખેડૂત સુધી ન્યાય અને સહાય પહોંચે તે માટે તંત્ર તત્પરતાપૂર્વક કાર્યરત છે.
