પૂર્વ કચ્છના ભચાઉ નજીક બજરંગ આઈ માતા હોટલના પાર્કિંગમાંથી સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) દ્વારા વિદેશી દારૂ ભરેલું એક ટેન્કર ઝડપી પાડવામાં આવ્યું છે. આજે થયેલી આ કાર્યવાહીમાં ₹1.85 કરોડથી વધુનો દારૂ જપ્ત કરવામાં આવ્યો છે. 1.85 કરોડના દારૂ સાથે 2.11 કરોડનો મુદ્દામાલ જપ્ત
SMCની ટીમે ટેન્કરમાંથી કુલ 17,554 વિદેશી દારૂની બોટલો કબજે કરી હતી, જેની અંદાજિત કિંમત ₹1,85,94,803/- છે. આ ઉપરાંત, ₹25,00,000/- ની કિંમતનું એક ટેન્કર, ₹5,000/- ની કિંમતનો એક મોબાઈલ ફોન અને ₹3,630/- રોકડા પણ જપ્ત કરવામાં આવ્યા હતા. કુલ મળીને ₹2,11,03,433/- નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. રાજસ્થાનના બે બુટલેગરની ધરપકડ
આ કેસમાં બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જેમાં પુખરાજ ડુંગરારામ ભાટી (ડ્રાઈવર) અને અશોક પ્રગારામ મેઘવાલ (ક્લીનર)નો સમાવેશ થાય છે. બંને રાજસ્થાનના બાલોતરા જિલ્લાના રહેવાસી છે અને તેમને ભચાઉ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા છે. આ ઉપરાંત, અનિલ જગડીયાપ્રસાદ પંડ્યા (મુખ્ય સપ્લાયર), પટિયાલા, પંજાબનો એક અજાણ્યો વ્યક્તિ (અનિલ પંડ્યાનો નોકર), ટેન્કર નંબર RJ09GA9037 નો માલિક અને મુંદ્રા-કચ્છ ખાતેનો એક અજાણ્યો વ્યક્તિ (દારૂનો રીસીવર) સહિત ચાર આરોપીઓ વોન્ટેડ જાહેર કરાયા છે. આ દરોડામાં પ્રતિબંધ અધિનિયમની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. આ કાર્યવાહી PSI એસ.વી. ગલચર, SMC દ્વારા કરવામાં આવી હતી.