Gujarati News

ભચાઉમાં રેલવે ટ્રેક કામગીરીથી બે માર્ગ બંધ:વૈકલ્પિક માર્ગ માટે અન્ય અન્ડરપાસ વ્યવસ્થિત કરવા માંગ

Published: November 8, 2025 • Language: English

ભચાઉ નગરમાં રેલવે દ્વારા નવા ટ્રેક નાખવાની કામગીરી ચાલી રહી છે. આ કામગીરીને કારણે બે મુખ્ય માર્ગો બંધ કરી દેવાયા છે, જેના પરિણામે નગરજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સ્થાનિકો દ્વારા વૈકલ્પિક માર્ગની વ્યવસ્થા કરવા માટે માંગ ઉઠી છે. ભૂકંપ બાદ નવનિર્મિત ભચાઉના દક્ષિણ દિશામાં આવેલા નવા ભચાઉ વિસ્તારમાં નગરની ત્રીજા ભાગની વસ્તી વસવાટ કરે છે. આ વિસ્તારમાં નવા બે રેલવે ટ્રેક નાખવાનું કામ ચાલી રહ્યું છે, જેના કારણે અવરજવર માટેના બે માર્ગો કાયમી ધોરણે બંધ કરી દેવાયા છે. આનાથી લોકોને ફાટક પર લાંબો સમય રાહ જોવી પડે છે અને સમયનો વ્યય થાય છે. ભચાઉના નાગરિક જીતેન્દ્ર જે વાણીયાએ આ અંગે જણાવ્યું હતું કે, રેલવે સ્ટેશનથી પટેલ અને જૈન બોર્ડિંગ સુધી કુલ ચાર અન્ડરપાસ આવેલા છે. તેમાંથી બે અન્ડરપાસ હાલમાં કામગીરીના કારણે બંધ છે. તેમણે સૂચવ્યું કે અન્ય બે અન્ડરપાસની આસપાસ સફાઈ કરીને અને રસ્તાને દુરસ્ત કરીને વૈકલ્પિક માર્ગ તરીકે ઉપયોગમાં લઈ શકાય છે. નગરજનોની માંગ છે કે રેલવે તંત્ર, વહીવટી વિભાગ અને સ્થાનિક લોકનેતાઓ આ બાબતે રસપૂર્વક રજૂઆત કરે અને યોગ્ય પગલાં ભરે. જો વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે તો પ્રજાને વારંવાર ફાટક પર સમય વેડફવો નહીં પડે અને વર્તમાન સમસ્યાઓનું પણ નિરાકરણ આવી શકે.

Read more

← Back to Home