Divya Bhaskar Gujarat

બોરસદમાં દુકાનદારના ગળામાંથી 3 તોલાની સોનાની ચેઈન સ્નેચિંગ:આઇસ્ક્રીમ લેવાના બહાને આવેલો શખ્સ ચેઈન ઝૂંટવીને બાઇક પર ફરાર થઇ ગયો

Published: November 4, 2025 • Language: English

આણંદ જિલ્લાના બોરસદમાં પી. ચંદ્ર ટાવર નજીક આવેલી એક આઇસ્ક્રીમની દુકાનમાં ગ્રાહકના સ્વાંગમાં આવેલા એક અજાણ્યા ઈસમે દુકાનદારના ગળામાંથી આશરે ત્રણ તોલા વજનની સોનાની ચેઈન આંચકી લીધી હતી. આ ઘટના બાદ આરોપી પોતાના સાગરીતની મોટરસાયકલ પર બેસીને ફરાર થઈ ગયો હતો. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે. બોરસદની કૃષ્ણનગર સોસાયટી (ભાગ-2)માં રહેતા 39 વર્ષીય ભાવિનકુમાર અશોકભાઈ પટેલ આણંદ ચોકડી પાસેના પી.ચંદ્ર ટાવરમાં ‘હેતવી સેલ્સ વાડીલાલ આઇસ્ક્રીમ’ નામની દુકાન ચલાવે છે. ગતરોજ સાંજે સાત વાગ્યાના અરસામાં ભાવિનકુમાર અને તેમના કર્મચારી કેતનભાઈ હર્ષદભાઈ પટેલ દુકાને હાજર હતા. તે સમયે એક અજાણ્યો શખ્સ દુકાને આવ્યો હતો અને હિન્દી ભાષામાં વાત કરતાં વીસ રૂપિયાવાળી બે આઇસ્ક્રીમ માંગી હતી. ભાવિનકુમારે આઇસ્ક્રીમ આપવાની તૈયારી દર્શાવતા જ, તે શખ્સે “ગેરે કો સુનાઈ નહી દેતા” તેમ કહી ભાવિનકુમારના ગળામાં પહેરેલી લોકેટ સાથેની આશરે ત્રણ તોલા વજનની સોનાની ચેઈન આંચકી લીધી હતી. ચેઈન આંચકીને તે શખ્સ દુકાનની બહાર ભાગ્યો હતો, જેથી ભાવિનકુમારે તેનો પીછો કર્યો. જોકે, આરોપીએ ભાવિનકુમારને ધક્કો મારી પાડી દીધા હતા અને ત્યારબાદ પોતાના સાગરીતની મોટરસાયકલ પર બેસીને ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. ભાવિનકુમારની બૂમાબૂમ સાંભળી આસપાસના દુકાનદારો એકઠા થયા હતા અને આરોપીઓનો પીછો કર્યો હતો, પરંતુ તેઓ હાથમાં આવ્યા નહોતા. આ ઘટના અંગે ભાવિનકુમાર પટેલે બોરસદ સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે બંને અજાણ્યા ઈસમો વિરુદ્ધ ગુનો નોંધી સીસીટીવી ફૂટેજના આધારે વધુ તપાસ હાથ ધરી છે. ફરિયાદી ભાવિનકુમાર પટેલે જણાવ્યું કે, બંને આરોપીઓની ઉંમર આશરે 35 થી 40 વર્ષના આશરાની હતી. જે પૈકી હેલ્મેટ પહેરીને દુકાનમાં આવેલો શખ્સ તેમના ગળામાં પહેરેલી કડી ટાઈપ ગોળાકાર આંકડાવાળી સોનાની ચેઈન (પેન્ડલ સાથે) આંચકીને ભાગી ગયો હતો. આ ચેઈન તેમને વર્ષ 2015માં લગ્ન સમયે સાસરી પક્ષ તરફથી ભેટ મળી હતી.

Read more

← Back to Home