Gujarati News

બોડેલીમાં દારૂ ભરેલી i20 ગાડી ઈકો સાથે ટકરાઈ:પોલીસ પીછો કરતાં એક ફરાર, એક ઝડપાયો

Published: November 9, 2025 • Language: English

બોડેલીના અલીપુરા ચાર રસ્તા પાસે ગત રાત્રિ દરમિયાન વિદેશી દારૂ ભરેલી હ્યુન્ડાઈ i20 ગાડી ઈકો કાર સાથે અથડાઈ હતી. પોલીસે પીછો કરતા આ ઘટના બની હતી, જેમાં ગાડીમાં સવાર બે વ્યક્તિમાંથી એક ફરાર થઈ ગયો હતો જ્યારે બીજાને ઝડપી પાડવામાં આવ્યો હતો. પોલીસ દ્વારા પીછો કરવામાં આવતા i20 ગાડીનો ચાલક હાલોલ રોડ તરફ જઈ રહ્યો હતો. ખોડિયાર માતાના મંદિર સામે તેણે આગળ ઉભેલી ઈકો ગાડીને ટક્કર મારી હતી, જેના કારણે i20 ગાડી ત્યાં જ અટકી ગઈ હતી. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, અકસ્માત બાદ ગાડીમાંથી એક વ્યક્તિ ઉતરીને ભાગી ગયો હતો, જ્યારે અન્ય એકને પોલીસે પકડી પાડ્યો હતો. છોટા ઉદેપુર સરહદી જિલ્લો હોવાથી અહીં વિદેશી દારૂ ઘુસાડવાના પ્રયાસો વારંવાર થતા રહે છે. બોડેલીમાં એક જ દિવસમાં દારૂ ભરેલી ગાડી અથડાવાની આ બીજી ઘટના છે. આ પહેલા વહેલી સવારે આંબા લોઢણ પાસે પણ આવી જ એક ઘટના બની હતી. આવી ઘટનાઓ દર્શાવે છે કે બોડેલી વિસ્તારમાં વિદેશી દારૂની હેરાફેરી મોટા પાયે થઈ રહી છે. થોડા દિવસો અગાઉ સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા પણ મોટી માત્રામાં વિદેશી દારૂ ઝડપી પાડવામાં આવ્યો હતો. તેમ છતાં દારૂની આટલી મોટી માત્રામાં ઘુસણખોરી જિલ્લા પોલીસની કામગીરી પર સવાલો ઉભા કરે છે.

Read more

← Back to Home