Gujarati News

બોડેલીમાં દારૂ ભરેલી i20 ગાડી ઈકો સાથે ટકરાઈ:પોલીસ પીછો કરતાં એક ફરાર, એક ઝડપાયો; પાવીજેતપુરમાં 2.51 લાખનો વિદેશી દારૂ ઝડપાયો

Published: November 9, 2025 • Language: English

બોડેલીના અલીપુરા ચાર રસ્તા પાસે ગત રાત્રિ દરમિયાન વિદેશી દારૂ ભરેલી હ્યુન્ડાઈ i20 ગાડી ઈકો કાર સાથે અથડાઈ હતી. પોલીસે પીછો કરતા આ ઘટના બની હતી, જેમાં ગાડીમાં સવાર બે વ્યક્તિમાંથી એક ફરાર થઈ ગયો હતો જ્યારે બીજાને ઝડપી પાડવામાં આવ્યો હતો. પોલીસ દ્વારા પીછો કરવામાં આવતા i20 ગાડીનો ચાલક હાલોલ રોડ તરફ જઈ રહ્યો હતો. ખોડિયાર માતાના મંદિર સામે તેણે આગળ ઉભેલી ઈકો ગાડીને ટક્કર મારી હતી, જેના કારણે i20 ગાડી ત્યાં જ અટકી ગઈ હતી. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, અકસ્માત બાદ ગાડીમાંથી એક વ્યક્તિ ઉતરીને ભાગી ગયો હતો, જ્યારે અન્ય એકને પોલીસે પકડી પાડ્યો હતો. છોટા ઉદેપુર સરહદી જિલ્લો હોવાથી અહીં વિદેશી દારૂ ઘુસાડવાના પ્રયાસો વારંવાર થતા રહે છે. બોડેલીમાં એક જ દિવસમાં દારૂ ભરેલી ગાડી અથડાવાની આ બીજી ઘટના છે. આ પહેલા વહેલી સવારે આંબા લોઢણ પાસે પણ આવી જ એક ઘટના બની હતી. આવી ઘટનાઓ દર્શાવે છે કે બોડેલી વિસ્તારમાં વિદેશી દારૂની હેરાફેરી મોટા પાયે થઈ રહી છે. થોડા દિવસો અગાઉ સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા પણ મોટી માત્રામાં વિદેશી દારૂ ઝડપી પાડવામાં આવ્યો હતો. તેમ છતાં દારૂની આટલી મોટી માત્રામાં ઘુસણખોરી જિલ્લા પોલીસની કામગીરી પર સવાલો ઉભા કરે છે. પાવીજેતપુરમાં 2.51 લાખનો વિદેશી દારૂ ઝડપાયો
પાવીજેતપુર પોલીસે ડુંગરવાંટ ત્રણ રસ્તા પાસેથી વિદેશી દારૂની હેરાફેરી કરતા એક ખેપીયાને ઝડપી પાડ્યો છે. પોલીસે રૂ. 2,51,000/- નો વિદેશી દારૂ અને રૂ. 4,50,000/- ની કાર સહિત કુલ રૂ. 7,06,000/- નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પાવીજેતપુર પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે તેમને બાતમી મળી હતી કે એક સફેદ ફોર-વ્હીલર ગાડીમાં બે ઈસમો ભારતીય બનાવટનો વિદેશી દારૂ લઈને તેજગઢ, કીકાવાડા થઈ ડુંગરવાંટ ચોકડી તરફ આવી રહ્યા છે. આ માહિતીના આધારે પોલીસે ડુંગરવાંટ ત્રણ રસ્તા પાસે વોચ ગોઠવી હતી. બાતમીવાળી કાર આવતા પોલીસે તેને રોકવાનો ઈશારો કર્યો હતો, પરંતુ ખેપીયાએ કાર ઊભી ન રાખી ભાગવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસે પીછો કરીને કાર ચાલકને પકડી પાડ્યો હતો, જ્યારે બાજુમાં બેઠેલો ઈસમ ભાગી છૂટવામાં સફળ રહ્યો હતો. પકડાયેલા ઈસમનું નામ અભય વિજયભાઈ ગોહિલ (રહે. ભાવનગર) હોવાનું જાણવા મળ્યું હતું. ભાગી ગયેલા ઈસમનું નામ શિવ ઉર્ફે ફ્રૂટી મુકેશભાઈ વસાવા (રહે. સોમા તળાવ, વડોદરા) હોવાનું તેણે જણાવ્યું હતું. કારની તલાશી લેતા તેમાંથી 20 બોક્સમાં 1000 બોટલ વિદેશી દારૂ મળી આવ્યો હતો, જેની કિંમત રૂ. 2,51,000/- છે. પોલીસે રૂ. 5,000/- નો મોબાઈલ અને રૂ. 4,50,000/- ની કાર પણ જપ્ત કરી છે. આ દારૂની હેરાફેરીમાં સંડોવાયેલા અન્ય ત્રણ ઈસમો જીતેન્દ્ર ઉર્ફે હરીશ ઉર્ફે જાય ઉર્ફે બદરી મહેશભાઈ તડવી (રહે. સોમા તળાવ, વડોદરા), ધર્મેશ ઉર્ફે મચ્છર ધનસુખભાઈ પ્રજાપતિ (રહે. સોમા તળાવ, વડોદરા) અને ગોપાલભાઈ સુખાભાઈ બારૈયા (રહે. સથરા, તા. તળાજા, જી. ભાવનગર) ના નામ પણ સામે આવ્યા છે. આમ, કુલ પાંચ આરોપીઓ વિરુદ્ધ પાવીજેતપુર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Read more

← Back to Home