શહેરના કાળીયાબીડ વિસ્તારમાં બે દુકાનદારો વચ્ચે માથાકૂટ સર્જાઈ હતી, જેમાં સ્ટેશનરી દુકાનદારએ દુકાન સામે પિચકારી નહીં મારવા બાબતે ત્રણ શખ્સોએ જીવલેણ હુમલો કર્યો હતો. સ્ટેનશનરી દુકાનદારે પાનમાવા દુકાનદાર સહિત ત્રણ શખ્સો સામે ફરિયાદ નોંધાવી હતી, આ બનાવ અંગે નીલમબાગ પોલીસ મથકે થી જાણવા મળતી વિગતો અનુસાર વિશાલ મહેશચંદ્ર શાહ ઉ.વ. 42 તેમની સ્ટેશનરીની દુકાન ચલાવે છે. તેમની બાજુમાં પિન્ટુ મકવાણા આઈસ્ક્રીમ અને પાનમાવાની દુકાન ધરાવે છે. વિશાલએ પિન્ટુને તેમના ગ્રાહકો દ્વારા દુકાન સામે પિચકારી મારવા, કચરો નાખવા અને પાણી ફેંકવા તેમજ કારણ વગર બેસી રહેવા કહેતા આ બાબતે પિન્ટુ ઉશ્કેરાઈ ગયા અને બિભત્સ ગાળો આપવા લાગ્યા હતા. ગાળો આપવાની ના પાડતા પિન્ટુએ બાજુમાં પડેલો પથ્થર ઉપાડી વિશાલના માથામાં માર્યો હતો, જેનાથી તેમને લોહી નીકળવા લાગ્યું હતું. અવાજ સાંભળી પિન્ટુના પિતા બાબુભાઈ મકવાણા ત્યાં આવ્યા અને વિશાલને શરીરે મુંઢ માર મારવા લાગ્યા. થોડીવારમાં તેમના સંબંધી ચિન્મય પરમાર લાકડી લઈને આવ્યા અને વિશાલને શરીરના ભાગે લાકડી વડે માર માર્યો હતો, દેકારો થતા વિશાલના મોટા ભાઈ રાજેનભાઈ શાહ, તેમના પત્ની હેતલબેન શાહ અને માતા કોકિલાબેન ત્યાં આવી પહોંચ્યા અને તેમને વધુ માર ખાતા બચાવ્યા. હુમલાખોરોએ વિશાલને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી કે, જો ફરીથી દુકાન બાબતે ફરિયાદ કરવા આવશે તો તેમને મારી નાખશે. માથામાં લોહી નીકળતા વિશાલને સારવાર માટે ભાવનગરની સર.ટી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તેમને માથામાં ચાર ટાંકા આવ્યા હોવાનું ડોક્ટરે જણાવ્યું હતું. સારવાર બાદ વિશાલએ પીન્ટુ મકવાણા, બાબુભાઈ મકવાણા તથા ચિન્મય મકવાણા વિરુદ્ધ નીલમબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.