Gujarati News

બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરીને પગલે CPનું જાહેરનામુ:પ્રિયલક્ષ્મી ગરનાળું એક વર્ષ માટે અને જેતલપુર ઓવરબ્રિજ તેમજ નીચેનો રેલવે અંડરપાસ 16 દિવસ બંધ રહેશે

Published: November 11, 2025 • Language: English

મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટના સી-5 પેકેજ હેઠળ વડોદરામાં ચાલી રહેલી સિવિલ વર્કને કારણે શહેરના બે મુખ્ય વિસ્તારોમાં ટ્રાફિક વ્યવસ્થામાં ફેરફાર કરવામાં આવ્યો છે. પ્રિયલક્ષ્મી ગરનાળા રેલવે અંડરબ્રિજ અને જેતલપુર રેલવે ઓવરબ્રિજ પરના કામોને લીધે વાહનચાલકોને વૈકલ્પિક માર્ગ અપનાવવા સૂચના આપવામાં આવી છે. વડોદરા શહેર પોલીસ કમિશનરે શહેરીજનોને અનુકૂળતા રહે અને ટ્રાફિક સુચારુ રૂપે ચાલે તે હેતુથી બે અલગ જાહેરનામા બહાર પાડ્યા છે. જેમાં પ્રિયલક્ષ્મી ગરનાળું એક વર્ષ માટે બંધ રહેશે અને જેતલપુર ઓવરબ્રિજ તેમજ નીચેનો રેલવે અંડરપાસ 16 દિવસ બંધ રહેશે. પ્રથમ જાહેરનામુ: પ્રિયલક્ષ્મી ગરનાળા રેલવે અંડરબ્રિજ બંધ વડોદરા રેલવે સ્ટેશનથી પંડ્યા બ્રિજ વચ્ચે આવેલ પ્રિયલક્ષ્મી ગરનાળા રેલવે અંડરબ્રિજની આસપાસ અને ગરનાળાના ઉપરના ભાગે સિવિલ વર્ક ચાલુ છે. અગાઉ 31 ઓક્ટોબર 2025 સુધીનું ડાયવર્ઝન જાહેર કરાયું હતું, પરંતુ કામગીરી ચાલુ રહેતાં પ્રોજેક્ટ મેનેજરની સૂચના મુજબ આ અંડરબ્રિજને વધુ સમય માટે તમામ વાહનો માટે બંધ રાખવામાં આવશે. પોલીસ કમિશનરે 15 નવેમ્બર 2025થી 31 ઓક્ટોબર 2026 સુધી અથવા કામ પૂર્ણ થાય ત્યાં સુધી માટે નીચે મુજબનું ડાયવર્ઝન જાહેર કર્યું છે. – પ્રતિબંધિત રસ્તો: વડોદરા રેલવે સ્ટેશનથી પ્રિયલક્ષ્મી મિલ રેલવે અંડરબ્રિજ થઈ અટલ બ્રિજ તરફ જતાં વાહનો. – વૈકલ્પિક માર્ગ: રેલવે સ્ટેશનથી પંડ્યા બ્રિજ થઈ પોલિટેકનિક રોડ, ફતેગંજ બ્રિજ નીચેથી યુ-ટર્ન લઈ પંડ્યા બ્રિજ ઉપરથી અટલ બ્રિજ તરફ. – પ્રતિબંધિત રસ્તો: અટલ બ્રિજથી પંડ્યા બ્રિજ થઈ પ્રિયલક્ષ્મી મિલ ગરનાળા થઈ રેલવે સ્ટેશન તરફ જતાં વાહનો. – વૈકલ્પિક માર્ગ: અટલ બ્રિજથી પંડ્યા બ્રિજ થઈ જે તરફ જવું હોય તે તરફ અથવા અટલ બ્રિજથી અલકાપુરી રોડ, અલકાપુરી ગરનાળા થઈ રેલવે સ્ટેશન તરફ. બીજું જાહેરનામું: જેતલપુર રેલવે ઓવરબ્રિજ પર ગર્ડર લોન્ચિંગ પ્રોજેક્ટના જ ભાગરૂપે જેતલપુર (સ્વામી વિવેકાનંદ) રેલવે ઓવરબ્રિજ ઉપર ગર્ડર લોન્ચિંગનું કામ હાથ ધરાશે. આ કામ દરમિયાન 14 નવેમ્બર 2025થી 29 નવેમ્બર 2025 સુધી જેતલપુર ઓવરબ્રિજ તેમજ નીચેનો રેલવે અંડરપાસ તમામ વાહનો માટે બંધ રહેશે. પોલીસ કમિશનરે 15 નવેમ્બર 2025થી 29 નવેમ્બર 2025 સુધી અથવા કામ પૂર્ણ થાય ત્યાં સુધી માટે નીચે મુજબનું ડાયવર્ઝન જાહેર કર્યું છે: – પ્રતિબંધિત રસ્તો: ચકલી સર્કલથી વલ્લભચોક સર્કલ થઈ જેતલપુર બ્રિજ થઈ સૂર્ય પેલેસ ચાર રસ્તા થઈ ભીમનાથ નાકા તરફ અવરજવર. તેમજ જેતલપુર ઓવરબ્રિજ નીચેના રેલવે અંડરપાસમાંથી પસાર થઈ શકાશે નહીં. – વૈકલ્પિક માર્ગ: અલકાપુરી રેલવે ગરનાળા અંડરપાસ તેમજ અકોટા-દાંડિયા બજાર બ્રિજ થઈ જે તરફ જવું હોય તે તરફ.

Read more

← Back to Home