Divya Bhaskar Gujarat

બિરસા મુંડાની 150મી જન્મજયંતિ, અંબાજીથી યાત્રાનો પ્રારંભ થશે:રાજ્ય કક્ષાના કાર્યક્રમના આયોજન માટે કલેક્ટરની અધ્યક્ષતામાં બેઠક

Published: November 4, 2025 • Language: English

બનાસકાંઠાના અંબાજી ખાતેથી આગામી 7 નવેમ્બર, 2025ના રોજ ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિ અંતર્ગત રાજ્ય કક્ષાની જનજાતીય ગૌરવ રથ યાત્રાનો પ્રારંભ થશે. આ કાર્યક્રમના સુચારુ આયોજન અને વ્યવસ્થા માટે પાલનપુર કલેક્ટર કચેરી ખાતે કલેક્ટર મિહિર પટેલના અધ્યક્ષસ્થાને એક બેઠક યોજાઈ હતી. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી, રાષ્ટ્રનિર્માણમાં જનજાતીય સમાજના ગૌરવપૂર્ણ યોગદાનને લોકો સુધી પહોંચાડવાના ઉદ્દેશ્ય સાથે, વર્ષ 2021થી બિરસા મુંડાના જન્મદિવસ, 15 નવેમ્બરને ‘જનજાતીય ગૌરવ દિવસ’ તરીકે સમગ્ર દેશમાં ઉજવવાનો નિર્ણય લેવાયો છે. કલેક્ટર મિહિર પટેલે બેઠકમાં જણાવ્યું હતું કે, સરકાર દ્વારા આગામી 7 થી 13 નવેમ્બર સુધી જનજાતીય ગૌરવ રથ યાત્રાનું આયોજન કરાયું છે. આ યાત્રા અંબાજીથી એકતાનગર અને ઉમરગામથી એકતાનગર એમ બે માર્ગો પર યોજાશે. અંબાજી સ્થિત જી.એમ.ડી.સી. ગ્રાઉન્ડ ખાતે રાજ્ય કક્ષાનો મુખ્ય કાર્યક્રમ યોજાશે. આ પ્રસંગે લાભાર્થીઓને વિવિધ યોજનાઓના લાભ અપાશે, આદિજાતિ વિદ્યાર્થીઓને સન્માનિત કરાશે અને 150 વૃક્ષોનું વાવેતર કરીને રથનું પ્રસ્થાન કરાવવામાં આવશે. જનજાતીય ગૌરવ રથ યાત્રા પૂર્વે શાળાઓ, પંચાયતઘર અને આંગણવાડી જેવા સ્થળોએ સફાઈ અભિયાન હાથ ધરાશે. શાળાઓમાં ભગવાન બિરસા મુંડાજીના જીવનચરિત્ર વિષય પર વિવિધ સ્પર્ધાઓ અને રમતોનું પણ આયોજન કરવામાં આવશે. અંબાજીથી પ્રસ્થાન થયેલ રથ યાત્રા 13 નવેમ્બરે એકતાનગર ખાતે પહોંચશે. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી એમ.જે.દવે, જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુમ્બે, નાયબ વન સંરક્ષક ચિરાગ અમીન, નિવાસી અધિક જિલ્લા કલેક્ટર સી.પી.પટેલ સહિત સંબંધિત વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Read more

← Back to Home