Divya Bhaskar Gujarat

બલેશ્વર માજીસા મંદિરે ચાંદની તેરસનો ભવ્ય મેળો:રાજસ્થાની સમાજના પદયાત્રીઓનું ઘોડાપૂર ઉમટ્યું, ભક્તો પગપાળા મંદિરે પહોંચ્યા

Published: November 4, 2025 • Language: English

મંગળવારે ‘ચાંદની તેરસ’ નિમિત્તે બલેશ્વર ખાતે આવેલા નવનિર્મિત માજીસા માતાજીના મંદિરે ભવ્ય મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મેળામાં દૂર દૂરથી, ખાસ કરીને રાજસ્થાની સમાજના, મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. ભક્તોએ પદયાત્રા કરીને માતાજીના દર્શન કર્યા હતા. ગુજરાતમાં વેપાર-ધંધા માટે સ્થાયી થયેલા રાજસ્થાની મારવાડી સમાજ માટે બલેશ્વરનું આ નવું માજીસા મંદિર આસ્થાનું કેન્દ્ર બન્યું છે. આ મંદિર રાજસ્થાનના જેસલમેર ખાતે આવેલા મૂળ રાણી ભટિયાણી માજીસાના મંદિરનું પ્રતિરૂપ છે. આના કારણે શ્રદ્ધાળુઓને રાજસ્થાન સુધી લાંબુ અંતર કાપવું પડતું નથી. રાજસ્થાની મારવાડીઓની 36 જાતિઓ માજીસા માતાજીમાં અતૂટ શ્રદ્ધા ધરાવે છે. તેઓ દર મહિનાની તેરસના દિવસે અહીં દર્શન કરવા આવે છે. આજે ચાંદની તેરસના વિશેષ પર્વે મોટી સંખ્યામાં લોકો પદયાત્રા કરીને આવ્યા હતા અને પોતાની મનોકામનાઓ પરિપૂર્ણ કરવા માટે પ્રાર્થના કરી હતી. આજના મેળામાં શ્રી માજીસા ભક્ત મંડળ, ઈચ્છાપોર (સુરત) દ્વારા આયોજિત પંચમી પદયાત્રાનું પણ સમાપન થયું હતું. આ પદયાત્રામાં મહિલાઓ સહિત મોટી સંખ્યામાં ભક્તો પગપાળા ચાલીને મંદિરે પહોંચ્યા હતા. દર્શનાર્થે આવેલા તમામ શ્રદ્ધાળુઓએ માતાજીના દર્શન કરીને અને મહાપ્રસાદનો લ્હાવો લીધો હતો. સમગ્ર મંદિર પરિસરમાં ભક્તિમય માહોલ છવાયો હતો અને ભક્તોએ ‘જય માજીસા’ના જયઘોષ સાથે માતાજીના આશીર્વાદ મેળવ્યા હતા.

Read more

← Back to Home