અમરેલી જિલ્લાના બગસરા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો છે. મુખ્ય બજારમાં આવેલી એક કરિયાણાની દુકાન અને બ્યુટી પાર્લરના શટર તોડી તસ્કરો રૂ. 75,000ની રોકડ ચોરી કરી ફરાર થઈ ગયા હતા. આ અંગે બગસરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. પ્રાપ્ત માહિતી અનુસાર, પારસ પ્રોવિઝન સ્ટોર નામની દુકાનમાં ચોરી થઈ હતી. તસ્કરોએ ડાબી બાજુમાં આવેલા બ્યુટી પાર્લરના શટરના બંને તાળા તોડી દુકાનમાં પ્રવેશ કર્યો હતો. દુકાનના કાઉન્ટરના ખાનામાં રાખવામાં આવેલા રૂ. 500, 200, 100, 50 અને 20ના દરની કુલ રૂ. 75,000ની રોકડ રકમ ચોરી લીધી હતી. આ મામલે મુનિરભાઈ મહંમદહુસેન ત્રવાદઈએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. શિયાળાની ઋતુ શરૂ થતાં જ અમરેલી જિલ્લામાં તસ્કરો સક્રિય બન્યા હોય તેમ નાના-મોટા ચોરીના બનાવો સામે આવી રહ્યા છે. બગસરા શહેરમાં થયેલી આ ચોરીના કારણે સ્થાનિક વેપારીઓમાં ભયનો માહોલ ફેલાયો છે. ચોરીની ફરિયાદ નોંધાયા બાદ બગસરા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. પોલીસે સ્થાનિક વેપારીઓ અને આસપાસના વિસ્તારના સીસીટીવી ફૂટેજની ચકાસણી હાથ ધરી છે. તસ્કરોનું પગેરું શોધવા માટે રાત્રિના સમયે શહેરના મુખ્ય માર્ગો અને અવરજવરના રસ્તાઓ પરના સીસીટીવી ફૂટેજ પણ તપાસવામાં આવી રહ્યા છે.