ફટાકડા ફોડવા બાબતે વેપારી પર જીવલેણ હુમલો:ફટાકડા ફોડવાની છોકરાઓને ના પાડતા વેપારીને તેઓના ચાર શખ્સોએ જીવલેણ હુમલો કર્યો
ભાવનગર જિલ્લાના સિહોરમાં ફટાકડા ફોડવા જેવી બાબતે સિહોર તાલુકાના ઢાકણકુંડા ગામે એક વેપારીએ દુકાન પાસે છોકરાઓ ફટાકડા ફોડતા હોય જેની દાઝ રાખીને ચાર ઇસમોએ જીવલેણ હુમલો કરતા વેપારીએ સિહોર પોલીસ સ્ટેશનમાં ચાર શખ્સોઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે, આ બનાવ અંગે સિહોર પોલીસ મથકેતી મળતી માહિતી મુજબ વેપારી સંજય વલ્લભભાઈ પરમાર ઉ.વ. 38 એ ફરિયાદ નોંધાવી હતી કે, ગત તા.20/10/2025 ના દિવાળીની રાત્રે સંજયએ પોતાની દુકાન નજીક ફટાકડા ફોડતા છોકરાઓ ફટાકડા ફોડતા હોય તેઓને દૂર જઈ ફોડવા કહ્યું હતું, જેથી દુકાનમાં આગ લાગવાની કે કોઈ દાઝી નો જાય, આ વાતની દાઝ રાખીને, તા. 23/10/2025 ના રોજ સવારે આશરે દસેક વાગ્યે બાળકોના પિતા રઘુ દેવાયતભાઈ શેલાણા દુકાને આવ્યો અને વેપારીને ગાળો ભાંડવા લાગ્યો હતા, થોડીવારમાં ભદ્રેશ સગરામભાઇ શેલાણા અને પ્રતિક પાંચાભાઇ શેલાણા પણ ત્યાં આવી ગયા. ત્રણેય જણા સંજયને ખેંચીને જૂની પંચાયત ઓફિસની પાછળ લઈ ગયા અને ઢીકા-પાટુનો માર માર્યો હતો. આ દરમ્યાન બુધા ભોળાભાઈ શેલાણા લોખંડનો પાઇપ અને લાકડી લઈને આવ્યો હતા. બુધાએ સંજયભાઈના માથામાં ડાબી બાજુએ લોખંડના પાઇપનો ઘા માર્યો, જેથી તેઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા અને લોહીલુહાણ થઈ ગયા હતા, રઘુએ લાકડી વડે પણ માર માર્યો હતો. આથી ઈજાગ્રસ્ત સંજયને પાલીતાણા સરકારી દવાખાને લઈ જવામાં આવ્યા હતા, જ્યાં માથામાં ત્રણ ટાંકા લેવા પડ્યા હતા, વધુ સારવાર માટે તેમને ભાવનગરની સર.ટી. હોસ્પિટલ ખસેડાયા હતા. વેપારીએ તમામ આરોપીઓ વિરુદ્ધ હથિયાર બંધી જાહેરનામાનો ભંગ કરવા, માર મારવા અને જાનથી મારી નાખવાની ધમકી આપવા બદલ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
Read more
