પ્રહલાદભાઈ સોનીનું દેહદાન, ધારપુર મેડિકલ કોલેજને અર્પણ:શ્રીમંત ફતેહસિંહરાવ પુસ્તકાલય દ્વારા વિદ્યાર્થીઓના અભ્યાસ માટે ત્રીજું દેહદાન
પાટણના શ્રીમંત ફતેહસિંહરાવ સાર્વજનિક પુસ્તકાલય દ્વારા સ્વ. પ્રહલાદભાઈ ડી. સોનીનું દેહદાન અને ચક્ષુદાન ધારપુર મેડિકલ કોલેજને કરવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓના અભ્યાસ અર્થે આ દેહદાનની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી. સ્વ. પ્રહલાદભાઈ સોની પાટણના ઝવેરી બજારના વર્ષો સુધી પ્રમુખ રહી ચૂક્યા હતા. પુસ્તકાલય દ્વારા ચક્ષુદાન-દેહદાન કાર્યક્રમ અંતર્ગત આ ત્રીજું દેહદાન ટૂંકા સમયમાં જ આપવામાં આવ્યું છે. સ્વ. પ્રહલાદભાઈનું ગતરોજ દુઃખદ અવસાન થતાં, આજરોજ ધારપુર મેડિકલ કોલેજ ખાતે દેહદાનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આ પ્રસંગે શ્રીમંત ફતેહસિંહરાવ લાઇબ્રેરીના પ્રમુખ ડો. શૈલેષ સોમપુરા, સુનિલભાઈ પાગેદાર, રાજેશભાઈ પરીખ, હસુભાઈ સોની, અશ્વિનભાઇ નાયક, નટુભાઈ દરજી, કેશવલાલ ઠક્કર, તેમના સુપુત્ર અશ્વિનભાઈ સોની, પુત્રીઓ, પૌત્રો નૈતિક અને બીરેન સહિત સમાજના અગ્રણીઓ, આર.એસ.એસ.ના હોદ્દેદારો અને વેપારી વર્ગ ઉપસ્થિત રહ્યા હતા. પરિવાર દ્વારા ડો. શૈલેષ સોમપુરાનો સંપર્ક કરાતા, તેમણે ધારપુર હોસ્પિટલના એનાટોમી વિભાગના વડા ડો. બથીજા, આશીષભાઈ, ડો. વિરાજ અને સ્ટાફના સહયોગથી આ પ્રક્રિયા સંપન્ન કરાવી હતી. નોંધનીય છે કે સ્વ. પ્રહલાદભાઈ સોનીએ એક આદર્શ શિક્ષક તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. ત્યારબાદ તેમણે પાટણમાં અંબિકા જ્વેલર્સની સ્થાપના કરી અને સોની બજારમાં વિશ્વાસ તથા પ્રેમ સંપાદન કરીને આગવી નામના મેળવી હતી. તેમણે સોની સમાજના વિવિધ મંડળોમાં પ્રમુખપદ શોભાવી સુંદર વહીવટ કર્યો હતો. સોની સમાજ છાત્રાલય, સોની સાંસ્કૃતિક ભવન અને રામજી મંદિર જેવા નિર્માણ કાર્યોમાં વર્ષો સુધી સેવા આપી હતી. આ ઉપરાંત, વિશ્વ હિન્દુ પરિષદ, ધાર્મિક કથાઓ, સત્સંગ મંડળ, બ્રહ્માકુમારી, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને સિનિયર સિટીઝન ક્લબ જેવી સંસ્થાઓમાં પણ નોંધપાત્ર યોગદાન આપી પાટણના વિકાસમાં સિંહફાળો આપ્યો હતો. શરીરે દુબળા પણ મનથી મજબૂત અને સંનિષ્ઠ વડીલ એવા પ્રહલાદકાકાએ મૃત્યુબાદ પણ ચક્ષુદાન અને દેહદાન કરીને સમાજને જીવનદર્શનનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.
