પોશીનામાં 'જનજાતિય ગૌરવ રથ યાત્રા'નું ભવ્ય સ્વાગત:ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિ નિમિત્તે આયોજન
સાબરકાંઠા જિલ્લાના પોશીના તાલુકાના પડાપાટ ખાતે ‘જનજાતિય ગૌરવ રથ યાત્રા’નું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં આદિજાતિ સમુદાયના લોકો ઉપસ્થિત રહ્યા હતા. સ્વાગત બાદ પોશીનાના લાંબડીયા સ્થિત બિરસા મુંડા ચોકમાં એક જાહેર સભાનું આયોજન કરાયું હતું, જ્યાં ઉપસ્થિતોએ ભગવાન બિરસા મુંડાના જીવનકવન વિશે જાણકારી મેળવી હતી. આ પ્રસંગે પી.સી. બરંડાએ જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આદિજાતિ બાંધવોના વિકાસ માટે અનેક યોજનાઓ અમલમાં મૂકી છે. તેમણે ઉમેર્યું કે, ભગવાન બિરસા મુંડાના બલિદાનને ઉજાગર કરવા માટે આ ગૌરવ રથ આગામી 15 દિવસ દરમિયાન ગુજરાતના 53 આદિજાતિ તાલુકાઓમાં ભ્રમણ કરશે અને આદિજાતિ સમુદાયના ભવ્ય ઇતિહાસને છેવાડાના લોકો સુધી પહોંચાડશે. મંત્રી રમેશ કટારાએ પોતાના પ્રવચનમાં જણાવ્યું કે, ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિને ‘જનજાતિય ગૌરવ વર્ષ’ તરીકે ઉજવીને આદિજાતિ બાંધવોનું ગૌરવ વધારવામાં આવ્યું છે. તેમણે આ વિસ્તારમાં થયેલા અનેક વિકાસ કાર્યોનો પણ ઉલ્લેખ કર્યો હતો. પૂર્વ ધારાસભ્ય અશ્વિન કોટવાલે પણ આ પ્રસંગે ઉદ્બોધન કર્યું હતું. કાર્યક્રમના ભાગરૂપે, મહાનુભાવોના હસ્તે આદિજાતિ સમુદાયના તેજસ્વી તારલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. આ ગૌરવ રથ યાત્રા આગામી બે દિવસ સુધી ખેરોજ, હિંગટીયા, ખેડબ્રહ્મા, નાકા, અંદ્રોખા, વિજયનગર, પાલ અને ચિઠોડા સહિતના આદિજાતિ વિસ્તારોમાં ભ્રમણ કરશે. આ કાર્યક્રમમાં ડો. કુબેર ડિંડોર, સાંસદ શોભનાબેન બારૈયા, જિલ્લા વિકાસ અધિકારી હર્ષદ વોરા, ખેડબ્રહ્મા પ્રાંત અધિકારી નિમેષ પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ કનુ પટેલ, ગજેન્દ્ર સક્સેના, નિલેશ બુબળિયા, કેવલ જોશીયારા, લોકેશ, જિલ્લા પંચાયત સદસ્યો તેમજ મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.
