Divya Bhaskar Gujarat

પોલીસ અધિક્ષક સફીન હસને સરસ્વા ગામની આંગણવાડીની મુલાકાત લીધી:'કુપોષણ મુક્ત મહીસાગર' અભિયાન અંતર્ગત બાળકોના સ્વાસ્થ્યનું નિરીક્ષણ કર્યું

Published: November 4, 2025 • Language: English

મહીસાગર જિલ્લાને કુપોષણમુક્ત બનાવવાના જન અભિયાન ‘કુપોષણ મુક્ત મહીસાગર’ અંતર્ગત, જિલ્લા પોલીસ અધિક્ષક સફીન હસને કડાણા તાલુકાના સરસ્વા ગામની આંગણવાડીની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દ્વારા પોલીસ તંત્રએ જિલ્લાના બાળકોના સ્વાસ્થ્ય પ્રત્યેની પોતાની સામાજિક પ્રતિબદ્ધતા દર્શાવી હતી. પોલીસ અધિક્ષકે આંગણવાડી કેન્દ્રમાં ઉપલબ્ધ પોષણયુક્ત આહારની ગુણવત્તા, સ્વચ્છતા અને શિક્ષણની પ્રવૃત્તિઓનું ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું હતું. તેમણે કાર્યકરોને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું અને બાળકો સાથે સંવાદ સાધીને તેમને પોષણયુક્ત આહારના મહત્વ વિશે સરળ ભાષામાં સમજણ આપી હતી. આ ઉપરાંત, સફીન હસને બાળકોના વાલીઓ અને માતાઓ સાથે વિસ્તૃત ચર્ચા કરી હતી. આ ચર્ચામાં કુપોષણના પડકારો, તેના નિવારણના ઉપાયો અને સરકારી યોજનાઓ જેવી કે ICDS (સંકલિત બાળ વિકાસ સેવાઓ) અને પોષણ આહાર યોજનાઓના મહત્તમ ઉપયોગ પર ભાર મૂકવામાં આવ્યો હતો. પોલીસ અધિક્ષક સફીન હસને આ તકે જણાવ્યું હતું કે, “તંદુરસ્ત બાળક જ તંદુરસ્ત સમાજ અને રાષ્ટ્રનું નિર્માણ કરે છે. વાલીઓએ પોષણ પ્રત્યે જાગૃત બનીને આંગણવાડીની સેવાઓનો મહત્તમ લાભ લેવો જોઈએ અને તંદુરસ્ત પેઢીના નિર્માણમાં સહભાગી થવું જોઈએ.”

Read more

← Back to Home