પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા:રાજકોટમાં વધતાં ક્રાઇમ રેટને અટકાવવા શહેર પોલીસનું મોડી રાત સુધી કોમ્બિંગ, હવે દરરોજ રાત્રે વાહન અને ન્યુસન્સ પોઇન્ટ પર ચેકિંગ
દિવાળીના તહેવારથી સાત હત્યાઓ, લૂંટ અને કુખ્યાત ગેંગો વચ્ચે ફાયરિંગ જેવી ઘટનાઓથી લુખ્ખાઓએ રાજકોટ શહેરને બાનમાં લેતા પોલીસ તંત્ર સફાળું જાગી ઉઠ્યું છે. રાજકોટ શહેર પોલીસ દ્વારા છેલ્લા ત્રણ દિવસથી રાત્રિના 11 વાગ્યા બાદ કોમ્બિંગની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે, જે અંતર્ગત ગઈકાલે પણ ડીસીપી ક્રાઇમ અને ક્રાઇમ બ્રાન્ચ તેમજ SOGની ટીમોએ મોડી રાત્રે 3 વાગ્યા સુધી A ડિવિઝન, ભક્તિનગર, યુનિવર્સિટી સહિતના વિસ્તારોમાં સઘન પેટ્રોલિંગ હાથ ધર્યું હતું. અસામાજિક તત્વોના અડ્ડા બની રહેલા પાનના ગલ્લા અને ચાની ટપરીઓ પર પોલીસ પહોંચતા જ લોકો હાથમાં રહેલી ચાની રકાબી મૂકીને દોટ મૂકતા જોવા મળ્યા હતા. આ ચેકિંગ ઝુંબેશ માત્ર લુખ્ખા અને આવારા તત્વો સામે જ છે, અને હવેથી દરરોજ આવા લોકો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે. વધતાં ક્રાઇમ રેટને અટકાવવા શહેર પોલીસ સફાળી જાગી
રાજકોટ શહેરમાં ગત 29 ઓક્ટોબરના રોજ મોડી રાત્રિના કુખ્યાત પેંડા ગેંગ અને મૂર્ધા ગેંગ વચ્ચે સામસામે થયેલી અંધાધૂંધ ફાયરિંગની ઘટના બાદ રાજકોટના વધતા હતા ક્રાઇમ રેટને અટકાવવા શહેર પોલીસ સફાળી જાગી ઉઠી છે. રાજકોટ શહેર પોલીસ દ્વારા અસામાજિક તત્વોના અડ્ડો બની રહેલા પાનના ગલ્લા, ચાની ટપરી, ખાણી પીણીની લારીઓ સહિતના બંધ કરાવવામાં આવી રહ્યા છે. સાથો સાથ મોટર વ્હીકલ એક્ટ 185 તેમજ ડ્રીંક એન્ડ ડ્રાઈવ અને GP એક્ટ 135 મુજબ ગુના દાખલ કરી જવાબદારો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી રહી છે. પોલીસ પહોંચતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી દોટ મુકી
ગઈકાલે રાત્રિના રાજકોટ DCP ક્રાઈમ અને શહેર ક્રાઇમ બ્રાન્ચ તેમજ SOGની અલગ અલગ ટીમો દ્વારા એ-ડિવિઝન, ભક્તિનગર, પ્રદ્યુમનનગર, યુનિવર્સિટી, માલવિયા નગર પોલીસ સ્ટેશન સહિતના વિસ્તારોમાં ચેકિંગ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. દરેક જગ્યાએ પોલીસ કાફલો પહોંચે તે પહેલા નાસભાગ મચી જતી હતી. તેમાં પણ 150 ફૂટ રિંગ રોડ પર બાલાજી હોલ નજીક રવેચી ચાની હોટલ પર તો લોકોએ હાથમાં રકાબી ભરેલી ચા મૂકી અને દોટ મૂકી હતી જાણે પોતે કોઈ ગુનો કર્યો હોય. જો કે સામાન્ય લોકોએ ડરવાની જરૂર નથી કારણ કે પોલીસની આ ચેકિંગ ડ્રાઇવ માત્ર લુખ્ખા અને આવારા તત્વો સામે જ છે. ઉલ્લેખનીય છે કે, હવેથી દરરોજ પોલીસ દ્વારા કાળા કાચ અને નંબર પ્લેટ વગરના વાહનના માલિકો વિરુદ્ધ કાર્યવાહી પણ કરવામાં આવશે અને સાથે સાથે ગેરકાયદેસર હથિયારને લઈને પણ કોઈ નીકળશે તો તેમને પણ અટકાવી તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
