પોરબંદરમાં નિરાધાર મહિલાનું પરિવાર સાથે પુનઃમિલન:181 અભયમ ટીમે ઇન્ટરનેટની મદદથી પરિવાર શોધી આશ્રય આપ્યો
પોરબંદર રેલવે સ્ટેશન પરથી મળી આવેલી એક નિરાધાર મહિલાનું ચાર દિવસ બાદ તેના પરિવાર સાથે પુનઃમિલન થયું છે. 181 અભયમ ટીમે ઇન્ટરનેટના માધ્યમથી મહિલાના પરિવારને શોધી કાઢી, તેમને સખી વન સ્ટોપ સેન્ટરમાં આશ્રય આપ્યો હતો. આ ઘટનાની શરૂઆત ત્યારે થઈ જ્યારે એક જાગૃત નાગરિકે 181 હેલ્પલાઇન પર ફોન કરીને જાણ કરી કે એક અજાણી મહિલા ઘણા દિવસોથી પોરબંદર રેલવે સ્ટેશન પર નિ:સહાય હાલતમાં જોવા મળે છે અને તેમને મદદની જરૂર છે. માહિતી મળતા જ પોરબંદર અભયમ ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. ટીમે મહિલાનું નામ અને સરનામું જાણવાનો પ્રયાસ કર્યો, પરંતુ મહિલા ફક્ત રડતા રડતા ‘ઘરે જવું છે, ઘરે મૂકી જાઓ’ એમ કહી રહી હતી. તેઓ જાતે ચાલી પણ શકતા ન હતા. જાગૃત નાગરિકના જણાવ્યા મુજબ, મહિલા આશરે 15 દિવસથી ત્યાં એકલા રહેતા હતા. અભયમ ટીમે મહિલાનું કાઉન્સેલિંગ કર્યું અને તેમને સાંત્વના આપી. ત્યારબાદ મહિલાએ જણાવ્યું કે તેઓ ઉત્તર પ્રદેશ રાજ્યના અલ્હાબાદ જિલ્લાના રહેવાસી છે. 181 ટીમે ઇન્ટરનેટના માધ્યમથી અલ્હાબાદ પોલીસ સ્ટેશનનો નંબર મેળવ્યો અને ત્યાં મહિલા સાથે વાત કરાવી. કલાકોમાં જ અલ્હાબાદ પોલીસ સ્ટેશનથી અભયમ ટીમને ફોન આવ્યો કે મહિલા ગુમ થયાની અરજી તેમની પાસે નોંધાયેલી છે. પોલીસે મહિલાના પરિવારને આ અંગે જાણ કરી. પરિવારજનો પોલીસ સ્ટેશન પહોંચ્યા અને 181 ટીમ સાથે વાત કરી. તેમણે જણાવ્યું કે મહિલાની માનસિક સ્થિતિ સારી ન હોવાથી તેઓ દોઢ મહિના પહેલા ઘરેથી નીકળી ગયા હતા. અભયમ ટીમે મહિલાના પરિવારજનોને મહિલા સુરક્ષિત હોવાની જાણ કરી અને તેમના પુત્ર સાથે ફોન પર વાત કરાવી, જેનાથી તેમને શાંતિ અનુભવાઈ. પરિવારજનો મહિલાને લેવા માટે પોરબંદર આવવાના હોવાથી, હાલ મહિલાની સુરક્ષાને ધ્યાનમાં રાખીને તેમને સખી વન સ્ટોપ સેન્ટરમાં આશ્રય આપવામાં આવ્યો છે.
