Gujarati News

પોરબંદરની ચોપાટી પરથી દરિયાઈ સાપ મળી આવ્યો:સમુદ્રમાં રહેવા ટેવાયેલો સાપ ભેખડમાં જોવા મળ્યો

Published: November 8, 2025 • Language: English

પોરબંદરની ચોપાટી પરથી એક દરિયાઈ સાપ મળી આવ્યો હતો. ફરવા આવેલા પ્રવાસીઓએ તેને ભેખડમાં જોતા સ્નેકકેચર રઝીમ બ્લોચને જાણ કરી હતી, જેમણે સાપનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કર્યું હતું. પ્રવાસીઓ ચોપાટી પર સેલ્ફી લઈ રહ્યા હતા ત્યારે તેમનું ધ્યાન ભેખડો વચ્ચે રેતીમાં પડેલા આશરે ત્રણ ફૂટ લાંબા વિચિત્ર સાપ પર પડ્યું હતું. આ દ્રશ્ય જોઈને તેઓ ભયભીત થઈ ગયા હતા અને તાત્કાલિક સ્નેકકેચરનો સંપર્ક કર્યો હતો. માહિતી મળતા જ રઝીમ બ્લોચ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. તેમણે જણાવ્યું કે દરિયાઈ સાપ સામાન્ય રીતે કાંઠા પર જોવા મળતા નથી, તેથી આ ઘટના આશ્ચર્યજનક હતી. તેમણે સાપને પકડીને સુરક્ષિત સ્થળે છોડી દીધો હતો. બ્લોચે વધુમાં જણાવ્યું કે આ પ્રકારના સાપ દરિયાના પાણીમાં અથવા ખાડીના કાદવમાં જોવા મળે છે. ચોપાટી પર કાંઠે આવવાનો આ પ્રથમ કિસ્સો છે. આ સાપ ઝેરી હોય છે, પરંતુ સામાન્ય રીતે તે મનુષ્ય માટે જોખમી હોતા નથી. પોરબંદરના સર્પવિદ્દ અને દરિયાઈ સાપના જાણકારે માહિતી આપતા જણાવ્યું હતું કે આવા સાપ ઘણીવાર માછીમારોની જાળમાં ફસાઈ જાય છે. માછીમારો પોતાની જાળ કાપીને પણ તેમનો જીવ બચાવે છે. તેમણે સલાહ આપી કે જાળમાં ફસાયેલા સાપને ગ્લોવ્ઝ પહેરીને મુક્ત કરવા જોઈએ. દરિયાઈ સાપ ઇકોસિસ્ટમ માટે મહત્વના છે. જો કોઈને આ સાપ કરડે તો તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર લેવી જરૂરી છે. આવા સાપ મુખ્યત્વે ચેરના વૃક્ષોની આસપાસ અને સમુદ્રમાં જોવા મળે છે અને કાંઠે ઓછા પ્રમાણમાં આવે છે.

Read more

← Back to Home