પાણીનો વેડફાટ:અંકલેશ્વરના દિવા રોડ પર જર્જરિત લાઇનમાં ભંગાણને કારણે હજારો લિટર પાણી વેડફાયું
અંકલેશ્વર દિવા રોડ પર એક વર્ષ પૂર્વે જ બનેલા રોડ પર પાણીની લાઈનમાં ભંગાણ પડવાથી રોડ પર હજારો લીટર પાણી રોડ પર વહી ગયું હતું. અંકલેશ્વર પાલિકાની મુખ્ય લાઇનના નવીનીકરણ દરમિયાન મુખ્ય લાઈન કોન્ટ્રાક્ટરે તોડી નાખી હતી.જે હજુ સુધી કાર્યરત થઇ નથી. જેને લઇ છેલ્લા 3 દિવસથી જ્યોતિ ટોકીઝ વિસ્તારમાં ટેન્કરથી પાણી આપવામાં આવી રહયું છે. આ વચ્ચે હવે દીવા રોડ પર ગત વર્ષે જ નવનિર્મિત રોડ નીચે પાણી લાઈનમાં ભંગાર સર્જાતા રોડ પર પાણીના જરા ફૂટ્યા હતા. પાલિકાને જાણ થતાં નવો નકોર રોડ તોડી રીપેરીંગ વર્ક શરુ કરવામાં આવ્યું હતું. યુદ્ધના ધોરણે રીપેર વર્ક કરી અંતે બપોર બાદ સમારકામ પૂર્ણ કરી પુનઃ પાણી પુરવઠો શરૂ કર્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે એક વર્ષ પૂર્વે જ આ રોડ બન્યો હતો. જેમાં લાઈન લીકેજ થતા રોડ તૂટ્યો છે. ત્યારે નવા રોડ પર ચોમાસા દરમિયાન ગાબડાં પડવાની પણ શરૂઆત થઇ છે.રોડ પર પડેલા ગાબડા પુરવા તેમજ પાણી લાઈન ને લઇ નુકસાન થયેલ રોડના રીપેરિંગની માગ સ્થાનિકો કરી રહયાં છે.
