Divya Bhaskar Gujarat

પાટણમાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમ શરૂ:ચૂંટણી પંચના માર્ગદર્શન હેઠળ SIR કામગીરીનો પ્રારંભ

Published: November 4, 2025 • Language: English

પાટણ જિલ્લામાં ભારતના ચૂંટણી પંચના માર્ગદર્શન હેઠળ સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન (SIR) કાર્યક્રમનો પ્રારંભ થયો છે. આ અંતર્ગત ગણતરી ફોર્મ (enumeration form) વિતરણની કામગીરી શરૂ કરવામાં આવી છે. આ કામગીરીમાં બુથ લેવલ ઓફિસર (BLO) દરેક મતદાતાના ઘર સુધી પહોંચી 7 નવેમ્બર, 2025 સુધીમાં ઈન્યુમરેશન ફોર્મ પહોંચાડશે. મતદાતાઓને વિનંતી કરવામાં આવી છે કે તેઓ BLOની બીજી મુલાકાત સુધીમાં આ ફોર્મ ભરીને તેમને પરત આપે. આ ફોર્મ દ્વારા ખાસ કરીને વર્ષ 2002ની ખાસ સઘન સુધારણા (SIR) ની આખરી મતદાર યાદીમાં મતદાતાના રક્તસંબંધ (બ્લડ રિલેશન) અને અન્ય વિગતોની ખરાઈ કરવામાં આવશે. BLO દ્વારા મતદારોને આ અંગે પૂરતું માર્ગદર્શન પણ અપાશે. આ સુધારણાનો મુખ્ય હેતુ મતદાર યાદીમાં માત્ર સાચા અને લાયક મતદારોના નામોનો સમાવેશ કરવાનો છે, જેથી ખોટા કે અયોગ્ય નામો દૂર કરી શકાય. જિલ્લા ચૂંટણી અધિકારી તથા કલેક્ટર તુષાર ભટ્ટે મતદાતાઓને આ કામગીરીમાં સક્રિય સહયોગ આપવા, ફોર્મમાં સાચી માહિતી ભરવા અને સમયમર્યાદામાં પરત આપવા અપીલ કરી છે. ચૂંટણી પંચનો ઉદ્દેશ્ય છે કે એકપણ લાયક મતદાર પોતાના મતાધિકારથી વંચિત ન રહે અને એક પારદર્શક તથા યોગ્ય મતદાર યાદી તૈયાર થાય. જિલ્લા વહીવટી તંત્રએ પણ તમામ મતદાતાઓને આ મહત્વપૂર્ણ કાર્યમાં જાગૃત નાગરિક તરીકે ભાગીદારી દર્શાવવા સહકાર આપવા અપીલ કરી છે.

Read more

← Back to Home