Gujarati News

પાટણમાં ભૈરવ જયંતિની ઉજવણી:કાળભૈરવ મંદિર ખાતે શ્રદ્ધાળુઓની ભારે ભીડ, દાદાની ભવ્ય શોભાયાત્રા અને છપ્પન ભોગના અન્નકૂટનું આયોજન

Published: November 12, 2025 • Language: English

પાટણ શહેરમાં ભૈરવ જયંતિની હર્ષોલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી. કાળભૈરવ મંદિર ખાતે સવારથી જ શ્રદ્ધાળુઓની ભારે ભીડ જોવા મળી હતી. આ પ્રસંગે દાદાની ભવ્ય શોભાયાત્રા અને છપ્પન ભોગના અન્નકૂટનું આયોજન કરાયું હતું. પાટણ શહેરની ભૈરવ નગર સોસાયટીમાં આવેલા કાળભૈરવ દાદાના મંદિરના સેવક મંડળ દ્વારા જન્મજયંતિ નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું હતું. મંદિર પરિસરને સુંદર રીતે શણગારવામાં આવ્યું હતું અને ભૈરવ દાદાને આંગી કરવામાં આવી હતી. સવારે નિજ મંદિર ખાતેથી ભૈરવ દાદાની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. આ શોભાયાત્રા પારેવા સર્કલ, એસટી રોડ, બગવાડા દરવાજા, હિંગળાચાચર, થીવટા, રોકડીયા ગેટ, છીન્ડિયા દરવાજા થઈ પરત નિજ મંદિરે ફરી હતી. શોભાયાત્રામાં વિવિધ ઝાંખીઓ સાથે મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. શોભાયાત્રા બાદ વિસ્તારના રહીશોએ ભોજન પ્રસાદ લીધો હતો. કાળભૈરવ જન્મજયંતિ નિમિત્તે દાદાના દર્શન માટે ભક્તોનો ભારે ધસારો જોવા મળ્યો હતો. મંદિરના આયોજકો દ્વારા દાદા સમક્ષ છપ્પન ભોગના અન્નકૂટ ગોઠવવામાં આવ્યા હતા.

Read more

← Back to Home