પાટણમાં પદ્મનાભજીના 'રેવડિયા મેળા'નો પ્રારંભ:પર્યાવરણ મંત્રીએ વધુ વૃક્ષારોપણની સૂચના આપી
પાટણમાં પ્રજાપતિ સમાજના ઇષ્ટદેવ ભગવાન પદ્મનાભજીના પ્રસિદ્ધ ‘રેવડિયા મેળા’નો કારતક સુદ ચૌદશ, સોમવારથી પ્રારંભ થયો છે. આ ‘સપ્ત રાત્રી મેળા’નો શુભારંભ પર્યાવરણ મંત્રી પ્રવીણ માળીના હસ્તે કરવામાં આવ્યો હતો. મેળાના શુભારંભ પ્રસંગે હુડકોના ચેરમેન કે. સી. પટેલ, શહેર ભાજપ પ્રમુખ હર્ષ પટેલ, પદ્મનાભ ભગવાન વાડી ટ્રસ્ટના પ્રમુખ યશપાલ સ્વામી સહિતના રાજકીય, સામાજિક અને શૈક્ષણિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. મહાનુભાવોએ રિબન કાપીને મેળાનો પ્રારંભ કરાવ્યો અને ભગવાનની આરતી ઉતારી આશીર્વાદ મેળવ્યા. પદ્મનાભ વાડી ટ્રસ્ટ પરિવાર અને પાટણ પ્રજાપતિ જ્ઞાતિ સમાજ દ્વારા ઉપસ્થિત મહાનુભાવોનું સ્વાગત-સન્માન કરવામાં આવ્યું હતું. સૌને રેવડીનો પ્રસાદ અર્પણ કરીને આભાર વ્યક્ત કરાયો હતો. આ પ્રસંગે પર્યાવરણ મંત્રી પ્રવીણ માળીએ (વન અને પર્યાવરણ, ગુજરાત રાજ્ય) જણાવ્યું હતું કે તેમને પાટણ ખાતે પદ્મનાભ મંદિરના દર્શન કરવાનો અને રેવડી મેળાની શરૂઆત કરાવવાનો અવસર મળ્યો તેનો આનંદ છે. તેમણે કાર્બન ઉત્સર્જનને સંતુલિત કરવા અને વિસ્તારને હરિયાળો બનાવવા માટે ટ્રસ્ટ અને ફોરેસ્ટ વિભાગને સાથે મળીને આ જગ્યામાં વધુમાં વધુ વૃક્ષારોપણ કરવાની સૂચનાઓ આપી હતી. મંત્રીએ પ્રજાપતિ સમાજની માટીના દેવોને પૂજવાની વર્ષો જૂની ઇકો-ફ્રેન્ડલી પરંપરાની સરાહના કરી હતી. તેમણે ગુજરાતની સુખાકારી માટે પ્રાર્થના કરી હોવાનું પણ જણાવ્યું હતું. ત્યારબાદ વૃક્ષારોપણ કાર્યક્રમ પણ યોજાયો હતો. પદ્મનાભજીના સપ્ત રાત્રિના પ્રથમ મેળામાં પ્રજાપતિ પરિવાર સહિત શ્રદ્ધાળુઓએ પોતાના ઘરેથી મંદિર પરિસર સુધી પીપળાના પાન પર દીવા પ્રગટાવી શ્રદ્ધા વ્યક્ત કરી હતી. રાત્રે 9:00 કલાકે પદ્મનાભ ભગવાન સહિત ગણપતિ મહારાજ, હરદેવજી ભગવાન અને નકળંગજી ભગવાનની જ્યોત સ્વરૂપે રવાડી નીકળશે આ રવાડી ‘સોને કી છડી રૂપે કી મશાલ, જરીયન કા જામા, ગલે મોતીયન કી માલા’ જેવા ભવ્ય સ્વરૂપે હોય છે. નિરંજન નિરાકાર ભગવાન પદ્મનાભજીના જય જય કાર વચ્ચે મંદિર પરિસર ખાતેથી પ્રસ્થાન પામતાં ભક્તોએ તેના દર્શન કરી ધન્યતા અનુભશે . સમાજના નવદંપતિઓએ પણ આ પરંપરા જાળવી રાખી પોતાના ઘરેથી મંદિર પરિસર સુધી સપ્ત ફેરા ફરશે .
