પાટણમાં ગેરકાયદેસર બંદૂક સાથે એક શખ્સ ઝડપાયો:ચાણસ્મા પોલીસે આર્મ્સ એક્ટ હેઠળ ₹2500ની દેશી બંદૂક જપ્ત કરી
પાટણ જિલ્લાના ચાણસ્મા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ગેરકાયદેસર હથિયાર સાથે એક શખ્સની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે આરોપી ઈશાકભાઈ લાખાભાઈ સિંધી પાસેથી ₹2500ની કિંમતની દેશી બનાવટની બંદૂક જપ્ત કરી છે. આ મામલે આર્મ્સ એક્ટ અને જી.પી. એક્ટની કલમ 135 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. એસ.ઓ.જી. શાખા પાટણના પોલીસ કર્મચારીઓ ધર્મોડા ગામના હાઇવે રોડ પરના બસ સ્ટેશન પાસેથી પેટ્રોલિંગ કરી રહ્યા હતા. તે દરમિયાન તેમને અંગત બાતમીદાર દ્વારા માહિતી મળી હતી કે ઈશાકભાઈ લાખાભાઈ સિંધી સેવાળા ગામથી સેંધા ગામ જતા રોડ પર એક કિલોમીટર દૂર આવેલા કાચા નેળિયામાં દેશી બંદૂક લઈને ફરી રહ્યો છે. બાતમીના આધારે, પોલીસે સેવાળા ગામથી સેંધા જતા રોડ પરના કાચા નેળિયા નજીક પહોંચી. ત્યાં એક ઈસમ બંદૂક સાથે આવતો દેખાતા પોલીસે તેને દૂરથી જોયો. પોલીસને જોઈને તે નાસવાનો પ્રયાસ કરતા પોલીસે તેને પકડી પાડ્યો હતો. પકડાયેલા ઈસમની પૂછપરછ કરતા તેણે પોતાનું નામ ઈશાકભાઈ લાખાભાઈ સિંધી (ઉંમર આશરે 33) અને સરનામું મહેસાણા રાધનપુર ચોકડી, લશકરી કુવા, તા.જી મહેસાણા જણાવ્યું. તેની પાસેથી મળી આવેલી દેશી બંદૂક અંગે પાસ-પરવાનો માંગતા, તેણે પોતાની પાસે કોઈ પરવાનો ન હોવાનું કબૂલ્યું હતું. જપ્ત કરાયેલી બંદૂક દેશી હાથ બનાવટની અને એક નાળવાળી છે. તેની નાળ જૂની લોખંડની પાઇપમાંથી બનાવેલી હતી, જેને લાકડામાં ખાંચો પાડી કલેમ્પો અને લોખંડના તારથી બાંધીને ફિટ કરવામાં આવી હતી. ગેરકાયદેસર અને વગર પાસ-પરવાનાની આ બંદૂકને સીલ કરીને વધુ તપાસ માટે કબજે કરવામાં આવી છે.
Read more
