Divya Bhaskar Gujarat

પાટણના સિદ્ધિ સરોવરમાં મહિલાનો આપઘાતનો પ્રયાસ:બીમારીથી કંટાળીને પડતું મૂક્યું, સેવકોએ જીવ બચાવ્યો

Published: November 4, 2025 • Language: English

પાટણ શહેરના સિદ્ધિ સરોવરમાં એક મહિલાએ બીમારીથી કંટાળીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જોકે, કુબેરેશ્વર મહાદેવ અને બાળા બહુચર મંદિરના સેવકોની સતર્કતાને કારણે તેમનો જીવ બચી ગયો હતો. આ ઘટનાએ સરોવરના રિનોવેશન અને સુરક્ષા વ્યવસ્થા પર ફરી સવાલો ઉભા કર્યા છે. આજરોજ પાટણ શહેરના વોર્ડ નંબર નવ ખાતે રહેતી મહિલાએ પોતાની લાંબી બીમારીથી કંટાળીને ખાન સરોવરમાં પડતું મૂકી જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો હતો. આ સરોવરનું રિનોવેશન દિવાળીની પાંચમના શુભ દિવસે થવાનું હતું, પરંતુ તે પહેલાં જ આ બીજી ઘટના બની છે. સરોવરમાં પડતું મૂક્યા બાદ મહિલાએ “બચાવો! બચાવો!”ની બૂમો પાડી હતી. આ અવાજ સાંભળીને તાત્કાલિક કુબેરેશ્વર મહાદેવના સેવકો અને બાળા બહુચર મંદિરના સેવક મનીષભાઈ ચોખાવાળા ઘટના સ્થળે દોડી આવ્યા હતા. તેમણે દોરડાની મદદથી ડૂબી રહેલી મહિલાને સરોવરમાંથી બહાર કાઢી તેમનો જીવ બચાવ્યો. ઘટનાની જાણ થતાં જ 108 એમ્બ્યુલન્સ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. એમ્બ્યુલન્સ સ્ટાફે મહિલાને ​​​​​​​​​​​​​​સ્ટ્રેચર પર લઈ જઈને વધુ સારવાર માટે ધારપુર ખાતેની હોસ્પિટલમાં ખસેડ્યા હતા. તેમની હાલત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટના બાદ કુબેરેશ્વર મહાદેવના સેવક તેજસભાઈ બારોટે પાલિકા તંત્રને વહેલી તકે ખાન સરોવરનું રિનોવેશન પૂર્ણ કરવા અનુરોધ કર્યો હતો. તેમણે સરોવરની આસપાસ સુરક્ષા વધારવા અને ભવિષ્યમાં આવા બનાવો ન બને તે માટે જરૂરી પગલાં લેવા પર ભાર મૂક્યો હતો.

Read more

← Back to Home