પાટણના ખાન સરોવરમાં મૃત માછલી, કૂતરાના હાડપિંજર મળ્યા:પીવાના પાણીની ગુણવત્તા પર સવાલ, શહેરીજનોના આરોગ્ય સામે ખતરો
પાટણ શહેરને પીવાનું પાણી પૂરું પાડતા ખાન સરોવરમાં પાણીનું સ્તર ઘટવાને કારણે હજારો માછલીઓ મૃત્યુ પામી છે. આ ઉપરાંત, સરોવરમાં મરેલા કૂતરાઓના હાડપિંજર પણ જોવા મળ્યા છે. આ સ્થિતિ પાટણ નગરપાલિકા દ્વારા પૂરા પાડવામાં આવતા પીવાના પાણીની ગુણવત્તા પર ગંભીર પ્રશ્નો ઊભા કરે છે. નગરપાલિકા તંત્ર દ્વારા ખાન સરોવર ખાલી થવા છતાં તેની યોગ્ય દેખરેખ રાખવામાં આવી ન હતી. પરિણામે, અસંખ્ય માછલીઓના હાડપિંજર અને અન્ય મૃતદેહો પાણીમાં તરતા જોવા મળી રહ્યા છે. આ જ દૂષિત પાણી શહેરીજનોને પૂરું પાડવામાં આવી રહ્યું છે, જે તેમના આરોગ્ય માટે મોટો ખતરો છે. કૂતરાઓના મૃતદેહોને દૂર કરી શુદ્ધ પાણી પૂરું પાડવાની માંગ ઉઠી
આ દૂષિત પાણી પીવાથી શહેરીજનોને પાણીજન્ય રોગો થવાની પૂરેપૂરી સંભાવના છે. નિષ્ણાતોના મતે, આવા પાણીના સેવનથી ખાસ કરીને પેટ સંબંધિત બીમારીઓનું જોખમ વધી શકે છે. શહેરીજનોના આરોગ્યને ધ્યાનમાં રાખીને, પાલિકા તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે ખાન સરોવરમાંથી મરેલી માછલીઓના હાડપિંજર અને કૂતરાઓના મૃતદેહોને દૂર કરી શુદ્ધ પાણી પૂરું પાડવાની માંગ ઉઠી છે. અધિકારીઓ સામે કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ
કુબેરેશ્વર મહાદેવના સેવક તેજસભાઈ બારોટે ખાન સરોવરની મુલાકાત લીધા બાદ જણાવ્યું હતું કે, તેમણે હજારોની સંખ્યામાં મૃત માછલીઓના દેહ જોયા હતા. તેમણે પાલિકાના સભ્યોને આંતરિક વિવાદો છોડીને શહેરીજનોને શુદ્ધ પાણી મળે તે સુનિશ્ચિત કરવા અપીલ કરી હતી. શાસક પક્ષના ડોક્ટર નરેશભાઈ દવેએ શહેરીજનોને હાલ ખાન સરોવરમાંથી આવતું પાણી ડહોળાશવાળું અને મૃત માછલીઓના હાડપિંજરવાળું હોવાથી તેને ઉકાળીને પીવા અનુરોધ કર્યો હતો. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, પાલિકા તંત્ર દ્વારા વહેલી તકે પાણીની સફાઈ કરાવી જવાબદાર અધિકારીઓ સામે કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ. સફાઈની કામગીરી કરવામાં આવશે: પાલિકા પ્રમુખ
પાલિકા પ્રમુખ હિરલ બેન પરમારે જણાવ્યું હતું કે જે દિવસે પાણી ચાલુ કરાવ્યું ત્યારે તેની સફાઈ કરાવી હતી ત્યારે આવું કોઈ ધ્યાને આવ્યું ન હતું આજે મીડિયાના માધ્યમથી જોવા મળ્યું છે તો તેની સફાઈની કામગીરી કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.
