રાજ્યભરમાં કમોસમી વરસાદ અને માવઠાના કારણે ખેત ઉત્પાદનના તમામ પાકને ગંભીર નુકસાન થયું છે, જેના પગલે ખેડૂતોની સ્થિતિ દયનીય બની છે. આ કપરી પરિસ્થિતિમાં ખેડૂતોને તાત્કાલિક રાહત આપવા અને દેવાદાર બનતા અટકાવવા માટે આજે વંથલી અને માણાવદર તાલુકાના અંદાજે 60 થી વધુ ગામોના સરપંચોએ જૂનાગઢ કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરી હતી.ખેડૂતોને ખેતીમાં વળતર ખૂબ ઓછું મળતું હોવાથી તેઓ દેવાદાર બની ગયા છે. આથી, સરકાર ખેડૂતોના ખભે ખભો મિલાવીને મદદ કરે તે હેતુથી સરપંચોએ કલેક્ટર સમક્ષ ખેડૂતોના મુખ્ય ત્રણ મુદ્દાઓ પર તાત્કાલિક નિર્ણય લેવાની માંગણી કરી હતી. સરકારને આવેદનપત્ર દ્વારા કરવામાં આવેલી ત્રણ મુખ્ય માંગણીઓ કરવામાં આવી છે જેમાં ખેડૂતોએ પાક નિષ્ફળ જતાં જે ધિરાણ (દેવા) લીધા છે, તે સંપૂર્ણપણે સરકાર દ્વારા માફ કરવામાં આવે.નુકસાનીના પ્રમાણ અનુસાર, ખેડૂતોને વધુમાં વધુ વળતર મળે તેવું ઉત્તમ અને મોટું સહાય પેકેજ તાત્કાલિક જાહેર કરવામાં આવે.મગફળી, તુવેર, ચણા જેવા પાકોની ટેકાના ભાવે થતી ખરીદીમાં સરકાર દ્વારા નક્કી કરાયેલા ભાવ અને બજારના ભાવ વચ્ચેનો તફાવત (સબસિડી) સીધો અરજદાર ખેડૂતના બેંક ખાતામાં સહાયરૂપે ટ્રાન્સફર કરવામાં આવે. આનાથી ખેડૂતોને સરકારી પ્રક્રિયામાં થતી હેરાનગતિમાંથી મુક્તિ મળશે અને સરકારી ભંડોળનો દુરુપયોગ થતો અટકાવી શકાશે તેવું ખેડૂતો દ્વારા જણાવવામાં આવ્યું છે. આ રજૂઆત દરમિયાન સરપંચ યુનિયનના આગેવાનોએ સરકાર સમક્ષ ખેડૂતોની વેદના રજૂ કરી હતી.જેમાં વંથલી તાલુકા સરપંચ એસોસિએશનના પ્રમુખ વિપુલ કાપડિયાએ જણાવ્યું હતું કે કમોસમી વરસાદના કારણે ખેડૂતોને મોટું નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે. આજે કલેક્ટરને પાઠવવામાં આવેલા આવેદનપત્રમાં મુખ્યત્વે ત્રણ મુદ્દા છે જેમાં ખાસ કરીને ખેડૂતોના પાક ધિરાણ સંપૂર્ણ માફ કરવામાં આવે, અને જેમણે ધિરાણ નથી લીધું તેમના માટે ઉત્તમ પેકેજની જાહેરાત કરવામાં આવે, તો જ ખબર પડશે કે સરકાર ખેડૂતોના ખંભે ખંભો મિલાવીને મદદ કરી રહી છે. ટેકાના ભાવની ખરીદીમાં ખેડૂતોને પડતી અગવડતા અને સરકારી ભંડોળનો થતો વ્યય ટાળવા માટે સીધી સહાય ખાતામાં ટ્રાન્સફર થવી જોઈએ. ખેડૂતના દીકરા કોઈ દિવસ કોઈની સામે હાથ લાંબો કર્યો નથી: ખેડૂત માણાવદર તાલુકા સરપંચ યુનિયનના મંત્રી અને નાંદરખા ગામના સરપંચ કે. ડી લાડાણી એ જણાવ્યું હતું કે ખેડૂતના દીકરાએ કોઈ દિવસ કોઈની સામે હાથ લાંબો કર્યો નથી, પરંતુ આજે કપરી પરિસ્થિતિનું નિર્માણ થતાં ખેડૂતનો પાક સદંતર નિષ્ફળ ગયો છે. ખેડૂતોનો મહેનતથી ઉગાડેલો પાક છીનવાયો છે. ના છૂટકે ખેડૂતોએ આજે સરકાર પાસે લાંબો હાથ કરવાનો વારો આવ્યો છે. પાક નિષ્ફળ જવાના કારણે અને માવઠાના કારણે ખેડૂતો આત્મહત્યા ન કરે અને દેવામાં ન ડૂબી જાય તે માટે સરકારે વિચારવું જોઈએ. ખેડૂતોએ જંગી બહુમતીથી સરકારને જીતાડી છે.ત્યારે સરકાર વહેલી તકે અત્યાર સુધીમાં ન ચૂકવાયું હોય તેવું મોટું પેકેજ ખેડૂતો માટે જાહેર કરે તેવી માંગ સાથે આજે કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે.વંથલી અને માણાવદર તાલુકાના સરપંચોની આ રજૂઆતથી સ્પષ્ટ થાય છે કે, કમોસમી વરસાદે ખેડૂતોને ગંભીર સંકટમાં મૂક્યા છે અને હવે તેઓ સરકાર તરફથી મોટા રાહત પેકેજની આશા રાખી રહ્યા છે.