પવનચક્કીની પાંખ લઈ જતા ટ્રેલરનો અકસ્માત:રાપર નજીક 5 કિલોમીટર લાંબો ટ્રાફિકજામ; ક્રેનની મદદથી ટ્રેલરને હટાવાયું
રાપર તાલુકાના ગાગોદર હાઇવે પર આજે વહેલી સવારે એક માર્ગ અકસ્માત સર્જાયો હતો. પવનચક્કીની પાંખ લઈ જતું એક મહાકાય ટ્રેલર બેકાબુ બનીને માર્ગની આડે ફંગોળાઈ ગયું હતું. આ ઘટનાને કારણે સામખયાળી-રાધનપુર નેશનલ હાઈવે પર વાહનવ્યવહાર ખોરવાઈ ગયો હતો અને પાંચથી છ કિલોમીટર લાંબો ટ્રાફિકજામ સર્જાયો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર, આ અકસ્માત રાપરના માનગઢ અને ગાગોદર વચ્ચેના વિસ્તારમાં આડેસર તરફ જતી વખતે થયો હતો. ટ્રેલર માર્ગ પર આડું ફરી જતાં હાઈવેની બંને તરફ વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી. ખાસ કરીને સામખયાળીથી રાધનપુર તરફનો એક તરફી માર્ગ સંપૂર્ણપણે બંધ થઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં જ ગાગોદર પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. ગાગોદર પીઆઇ વીએ સેંગલે જણાવ્યું કે, સવારે લગભગ 6:30 વાગ્યાના અરસામાં આ અકસ્માત થયો હતો. પોલીસે ક્રેનની મદદથી અકસ્માતગ્રસ્ત ટ્રેલરને માર્ગ પરથી હટાવવાની કામગીરી હાથ ધરી હતી. પોલીસની સક્રિયતાને કારણે હાલ કચ્છ તરફ જતો માર્ગ ખુલ્લો કરવામાં આવ્યો છે અને વાહનો ધીમી ગતિએ આગળ વધી રહ્યા છે. મેવાસા પાટિયાથી લઈને ઘાણીધર સુધીના લગભગ છ કિલોમીટરના માર્ગે ટ્રાફિકજામ થયો હતો, જેને નિયંત્રિત કરવા માટે પોલીસ જવાનો સતત પ્રયાસ કરી રહ્યા છે.
