નાઈજીરીયન ગેંગને બેંક એકાઉન્ટ પૂરા પાડતી ગેંગ ઝડપાઈ:સાયબર ફ્રોડના નાણાં ટ્રાન્સફર માટે ઉપયોગ થતો. 1 હજારથી વધુ એકાઉન્ટમાં 50 કરોડના ટ્રાન્જેકશન થયાની શક્યતા
સાયબર ફ્રોડ કરનાર નાઈજીરીયન ગેંગ સાથે કામ કરનાર 6 આરોપીની અમદાવાદ સાયબર ક્રાઈમે ધરપકડ કરી છે. આરોપીઓ નાઈજીરીયન ગેંગને 10 ટકા કમિશન પર એકાઉન્ટ પૂરા પાડતા હતા. સાથે સાથે ફ્રોડના નાણાં ઉપાડીને નાઈજીરીયન ગેંગને પહોંચાડતા પણ હતા. મુખ્ય આરોપી 10 વર્ષથી એકાઉન્ટ પૂરા પાડવાનું કામ કરી રહ્યો હતો, જેમાં તેણે 1 હજારથી વધુ એકાઉન્ટ આપી 50 કરોડથી વધુના ટ્રાન્જેક્શન કરાવ્યા હોવાની શક્યતા છે. જેના આધારે તપાસ કરવામાં આવી રહી છે. સાયબર ગઠિયાઓએ 32.72 લાખ રૂપિયા પડાવ્યા હતા
થોડા સમય અગાઉ એક વેપારીએ ફરિયાદ નોંધાવી હતી કે, તેમને હોમિયોપેથી લિક્વિડ બજાર કરતા સસ્તા ભાવમાં આપીને તે લિક્વિડ અન્ય દેશમાં વેચવાના બહાને સાયબર ગઠિયાઓએ 32.72 લાખ રૂપિયા પડાવ્યા હતા. સાયબર ક્રાઇમ દ્વારા આ ગુનાની તપાસ દરમિયાન જામનગર ખાતેથી પાંચ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસ તપાસમાં નાઈજીરીયન ગેંગે વેપારીને સસ્તામાં લિક્વિડ આપવાનું કહીને 32 લાખની છેતરપિંડી કરી હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે આ કેસમાં બેન્ક એકાઉન્ટ પુરા પાડનાર અન્ય છ આરોપીઓની મુંબઈ અને બેંગલોર ખાતેથી ધરપકડ કરી હતી. આરોપીઓ પાસેથી 14 મોબાઈલ ફોન, 7 સીમકાર્ડ, 33 ડેબિટ કાર્ડ કબજે કરવામાં આવ્યા છે. આ ઉપરાંત આરોપીઓના જેટલા બેન્ક એકાઉન્ટ મળ્યા છે તેની સામે દેશભરના અલગ અલગ રાજ્યોમાં 112 જેટલી ફરિયાદ પણ થઈ ચૂકી છે. મુંબઈ-બેંગ્લોરથી છ આરોપીઓની ધરપકડ
સાયબર ક્રાઈમે ક્રિષ્નામતી ચૌધરી, મહેશ ચૌધરી, સલીમ શેખ, ત્રીજુગીલાલ કુર્મી, રાજેશ સરોજ અને માદુફોર સ્ટીવ નામના છ આરોપીઓની ધરપકડ કરી છે. આરોપીઓ પૈકી એકાઉન્ટ પૂરું પાડનાર સલીમ મુખ્ય આરોપી છે જે યુપી, બિહાર અને નેપાળના લોકોને શોધીને કમિશન પર એકાઉન્ટ મેળવતો હતો. સાયબર ફ્રોડના નાણાંમાંથી 10 ટકા કમિશન રાખીને બાકીના નાણા નાઈજીરીયન ગેંગને આપતો હતો. સલીમની નીચે ત્રીજુગી કુર્મી અને રાજેશ સરોજ કામ કરતા હતા, જે એકાઉન્ટ હોલ્ડર સાથે બેંકમાં જઈને નાણા ઉપાડતા હતા. બેન્ક એકાઉન્ટ માટે 5થી 7 ટકા જેટલું કમિશન મળતું હતું
આ કેસમાં ક્રિષ્નામૂર્તિ ચૌધરી અને વિશ્રામ ચૌધરીએ પોતાનું એકાઉન્ટ પૂરું પાડ્યું હતું, જે બંને મૂળ નેપાળના રહેવાસી છે. બંનેએ અલગ અલગ એન્ટરપ્રાઇઝના નામે 10થી 15 જેટલા એકાઉન્ટ ખોલાવ્યા હતા જેમાં 5 એકાઉન્ટમાં સાયબર ક્રાઇમમાં નોંધાયેલા ગુનાના 32.72 લાખ રૂપિયા આવ્યા હતા. આરોપીઓએ ત્રીજુગીલાલ અને રાજેશને સાથે રાખીને બેંકમાંથી પૈસા ઉપાડીને સલીમને આપ્યા હતા. જે પૈસા સલીમે નાઈજીરીયન ગેંગને આપ્યા હતા. ક્રિષ્નામતિ અને મહેશને બેન્ક એકાઉન્ટ માટે 5થી 7 ટકા જેટલું કમિશન મળતું હતું. જેમાંથી તેમણે અત્યાર સુધી તેમણે 6 થી 7 લાખ રૂપિયા કમિશન મેળવ્યું છે. દસ વર્ષના એકાઉન્ટમાં 50 કરોડથી વધુના ટ્રાન્જેક્શનની શક્યતા
નાઈજીરીયન ગેંગનો મુખ્ય સૂત્રધાર સલીમ શેખ છે. જે અગાઉ દિનેશ પાંડે સાથે જોડાયેલો હતો. દિનેશ પાંડે નાઈજીરીયન ગેંગના સંપર્કમાં રહીને એકાઉન્ટ પ્રોવાઇડ કરતો હતો, પરંતુ દિનેશ પાંડેના મોત બાદ સલીમ શેખ સુધા નાઈજીરીયન ગેંગના સંપર્કમાં આવ્યો હતો. સલીમ છેલ્લા દસ વર્ષથી જુદા જુદા માણસોનો સંપર્ક કરીને તેમના નામે એન્ટરપ્રાઇઝના એકાઉન્ટ ખોલાવી આ બેન્ક એકાઉન્ટ કમિશન પર સાયબર ફ્રોડ કરતી ગેંગને આપતો હતો. સલીમે છેલ્લા દસ વર્ષમાં 1,000થી વધુ એકાઉન્ટ આપ્યા હોવાની શક્યતા છે. આ ઉપરાંત સલીમે આપેલા દસ વર્ષના એકાઉન્ટમાં 50 કરોડથી વધુના ટ્રાન્જેક્શન થયા હોવાની પણ શક્યતા છે. જેના આધારે સાયબર ક્રાઇમે તપાસ શરૂ કરી છે.
