નવસારી LCBએ દારૂની 1224 બોટલો બે શખસોને ઝડપ્યા:મુંબઈથી અમદાવાદ જતી અર્ટીગા કારમાંથી દારૂ ઝડપાયો, બે આરોપી વોન્ટેડ જાહેર
નવસારી LCBએ પ્રોહીબીશન વિરોધી ઝુંબેશ અંતર્ગત નેશનલ હાઇવે નંબર 48 પરથી દારૂની હેરાફેરી ઝડપી પાડી છે. મલવાડા ગામ નજીક એક હોટલ સામે નાકાબંધી ગોઠવીને મુંબઈથી અમદાવાદ જતી એક અર્ટીગા કારમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો મોટો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. આ કાર્યવાહી 8 નવેમ્બરના રોજ કરવામાં આવી હતી. પોલીસે અર્ટીગા કારમાંથી કુલ 1224 નંગ વ્હીસ્કી બોટલો અને ટીન બિયરનો જથ્થો શોધી કાઢ્યો હતો. આ દારૂની હેરાફેરીમાં સંડોવાયેલા બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે અન્ય બે વોન્ટેડ જાહેર કરાયા છે. LCB દ્વારા કુલ 7,82,640 રૂપિયાની મત્તાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. જેમાં 2,72,640 રૂપિયાની કિંમતનો દારૂનો જથ્થો, 5,00,000 રૂપિયાની અર્ટીગા કાર અને 10,000 રૂપિયાની કિંમતના બે મોબાઈલ ફોનનો સમાવેશ થાય છે. પકડાયેલા આરોપીઓમાં સની રાધેમોહન કૃપાલ દુબે (ઉંમર 21), જે કારનો ચાલક હતો અને મનીષકુમાર મનોજ યમુનાગોપ યાદવ (ઉંમર 18 વર્ષ 4 માસ), જે કારનો ક્લીનર હતો, તેમનો સમાવેશ થાય છે. સની સેલવાસાના પીપરીયાગામનો અને મૂળ યુ.પી.ના બસ્તી જિલ્લાનો રહેવાસી છે, જ્યારે મનીષકુમાર દમણનો અને મૂળ બિહારના પટના જિલ્લાનો રહેવાસી છે. બંને સામે ચીખલી પોલીસ સ્ટેશનમાં પ્રોહિબીશનનો ગુનો નોંધવામાં આવ્યો છે. આ કેસમાં દારૂનો જથ્થો ભરાવનાર અને મંગાવનાર અન્ય બે આરોપીઓ વોન્ટેડ જાહેર કરાયા છે. જેમાં દમણ હાટીયાવાડનો રાજુભાઈ, જેણે અર્ટીગા કાર સપ્લાય કરી હતી, અને સુરત કડોદરાનો સૌરભકુમાર રામઆશીષ યાદવ, જેણે દારૂનો જથ્થો મંગાવ્યો હતો, તેમનો સમાવેશ થાય છે. LCB સ્ટાફ દ્વારા આ વોન્ટેડ આરોપીઓને પકડવા અને કેસની વધુ તપાસ માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
