સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીના સેલવાસમાં એક નવજાત શિશુ ત્યજી દેવાયેલી હાલતમાં મળી આવ્યું છે. વલસાડ જિલ્લાને અડીને આવેલા સેલવાસના બહુમાળી કોમ્પલેક્ષ પરિસરમાં ઝાડ નીચે ઝાડીમાં પ્લાસ્ટિકની થેલીમાં ભરીને આ બાળકને મૂકી દેવામાં આવ્યું હતું. આ ઘટના ત્યારે પ્રકાશમાં આવી જ્યારે બહુમાળી કોમ્પલેક્ષમાં રહેતા સ્થાનિકોએ એક નાના બાળક રડવાનો અવાજ સાંભળ્યો. અવાજની દિશામાં આગળ વધતા, તેમને ઝાડ નીચે ઝાડીમાં પ્લાસ્ટિકની થેલીમાં એક નવજાત શિશુ જોવા મળ્યું. સ્થાનિકોએ તાત્કાલિક બાળકને થેલીમાંથી બહાર કાઢ્યું અને તેના શરીરને સાફ કર્યું. તપાસ કરતા જાણવા મળ્યું કે તે એક છોકરો હતો. આ અંગે 108 એમ્બ્યુલન્સ અને પોલીસને જાણ કરવામાં આવી હતી. તેઓ ઘટના સ્થળે પહોંચ્યા અને બાળકનો કબજો લીધો. ત્યારબાદ બાળકને વધુ સારવાર માટે નમો હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યું છે.
Read more