Divya Bhaskar Gujarat

નંદાપુરા બ્રિજ પાસે અકસ્માત, પત્ની-પુત્ર ઘાયલ:ઇલેક્ટ્રિક એક્ટિવાને ટક્કર, વડોદરાની હોસ્પિટલમાં દાખલ, ફરિયાદ નોંધાઈ

Published: November 4, 2025 • Language: English

ગોધરા તાલુકાના નંદાપુરા બ્રિજ પાસે થયેલા માર્ગ અકસ્માતમાં એક ઇલેક્ટ્રિક એક્ટિવાને ટક્કર વાગતા પત્ની અને પુત્ર ગંભીર રીતે ઘાયલ થયા છે. તેમને વધુ સારવાર માટે વડોદરાની સુકુન મલ્ટિસ્પેશિયાલિસ્ટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ મામલે ગોધરા તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ગોધરાના ભગવતનગર, બામરોલી રોડ પર રહેતા અલ્પેશકુમાર પારશકુમાર જૈન ગત તારીખ ૦૨ નવેમ્બર, ૨૦૨૫ના રોજ સાંજે તેમની પત્ની પુષ્પાબેન અને પુત્ર ઋષિ સાથે લીમખેડાથી ગોધરા પરત ફરી રહ્યા હતા. અલ્પેશકુમાર પોતાની સ્પ્લેન્ડર મોટરસાઈકલ (GJ-17-CD-3207) ચલાવી રહ્યા હતા, જ્યારે તેમનો પુત્ર ઋષિ ઇલેક્ટ્રિક એક્ટિવા (GJ-17-CH-8300) પર હતો, જેની પાછળ તેમની પત્ની પુષ્પાબેન બેઠા હતા. રાત્રિના આશરે પોણા નવેક વાગ્યાના અરસામાં તેઓ નંદાપુરા ગામ પાસેના બ્રિજ પરથી પસાર થઈ રહ્યા હતા. તે સમયે પાછળથી પૂરઝડપે અને ગફલતભરી રીતે આવતી GJ-17-CG-7664 નંબરની એક મોટરસાઈકલે ઋષિના ઇલેક્ટ્રિક એક્ટિવાને ઓવરટેક કરવા જતાં પાછળથી ટક્કર મારી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે ઋષિ અને પુષ્પાબેન રોડ પર ફંગોળાઈ ગયા હતા. આ અકસ્માતમાં પુષ્પાબેનને ડાબા હાથ, માથાના ડાબા ભાગે અને ડાબા ગાલ પર ઇજાઓ થઈ હતી, જ્યારે પુત્ર ઋષિને મોઢા અને માથાના ભાગે ઇજાઓ પહોંચી હતી. ઘટના સ્થળે લોકો એકઠા થઈ ગયા હતા. અકસ્માત સર્જનાર મોટરસાઈકલ ચાલક અને તેની પાછળ બેઠેલા અન્ય એક વ્યક્તિને પણ ઇજાઓ થઈ હતી. ૧૦૮ એમ્બ્યુલન્સને જાણ કરાતા બે એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી હતી. એક એમ્બ્યુલન્સમાં પુષ્પાબેન અને ઋષિને ગોધરા સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા, જ્યાં પ્રાથમિક સારવાર બાદ તેમને વધુ સારવાર માટે વડોદરા રીફર કરવામાં આવ્યા. હાલ પુષ્પાબેન અને ઋષિ વડોદરાની સુકુન મલ્ટિસ્પેશિયાલિસ્ટ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. બીજી એમ્બ્યુલન્સમાં અકસ્માત સર્જનાર મોટરસાઈકલ ચાલક અને તેના સાથીને પણ હોસ્પિટલ લઈ જવાયા હતા. આ મામલે અલ્પેશકુમાર જૈને GJ-17-CG-7664 નંબરની મોટરસાઈકલના ચાલક વિરુદ્ધ ગોધરા તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Read more

← Back to Home